)
ગૌરવ દવે, રાજકોટઃ ઉનાળો શરૂ થાય અને પાણીનો પોકાર ઉઠે...જોકે રાજકોટને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવાની જાહેરાત સરકારે કરી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં ઉણાં ઉતર્યા હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળામાં જ રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે પ્રિ-મોન્સૂનની કામગીરી કરવી જોઈએ. જેથી પમ્પિંગ સ્ટેશનો અને પાણીના ટાંકા સાફ કરવા પડશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોયા જાણ્યા વગર જ જાહેરાત કરી દીધી કે, મંગળવારે 5 વોર્ડના 176 વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જેમાં વોર્ડ નં 8, 10, 11, 12 અને 13માં પાણી વિતરણ કરવામાં નહિ આવે. આજે સવારે પાણી નહીં આવતા રાજકોટના વોર્ડ નં 13માં આવેલા ગુરૂપ્રસાદ ચોક નજીકના આંબેડકરનગરની મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ માટલા ફોડી અને થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. મહિલાઓએ કહ્યું હતું કે, દરરોજ પાણી વિતરણ કરવાની વાતો કરે છે પણ એકાતરા જ પાણી આવે છે. દૂષિત પાણી આવતું હોવાથી બીમારીઓ પણ વધે છે. પાણી ગરીબ વિસ્તારોમાં ન આપવામાં આવે તો અમારે રસોઈ કઈ રીતે કરવી. પાણી સંગ્રહ કરવાની અમારી પાસે સુવિધાઓ પણ ન હોઈ.
રાજકોટના મેયરે ઉકેલ ને બદલે ભૂતકાળ વાગોળ્યો !
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને પાણી કાપ મુદ્દે જ્યારે ZEE 24 કલાક દ્વારા પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, ઉનાળામાં પાણી જરૂરી છે પણ સાથે જ ટાંકાની સફાઈ થવી પણ જરૂરી છે. જે વોર્ડમાં પાણી નથી આવ્યું તેની અગાઉ જ જાણ કરી દેવામાં આવી હતી. ટાંકા સફાઈ ન થાય તો દૂષિત પાણી આવવાની રાઉ ઉઠે અને લોકો માંદા પડે. જેથી આ કામગીરી કરવી જરૂરી હતી. લોકોએ વિરોધ કરવાને બદલે સાથ અને સહકાર આપવો જોઈએ. ભૂતકાળમાં પાણીના ટેન્કર દ્વારા પાણી આપવામાં આવતું હતું અને ત્યારે પાણી ભરવા નળીઓ લગાવવા માથાકૂટો થતી હતી. જ્યારે અત્યારે ઘર સુધી નર્મદાના પાણી પહોંચાડવામાં આવે છે લોકોએ પાણીનો બગાડ અટકાવવો જોઈએ
રાજકોટના 176 જેટલા અલગ અલગ વિસ્તારોમાં આજે પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. જોકે રાજકોટ મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરીને કારણે આજે પાણી કાપ ઝીંક્યો હોવાનું કહી બચાવ કરી રહી છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજકોટમાં અનેક વિસ્તારોમાં દરરોજ દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શિયાળામાં પાણીની સમસ્યા નહોતી ત્યારે રાજકોટ મહાનગર પાલિકાએ પ્રિ-મોનસુનની કામગીરી કરવાની જરૂર હતી. પરંતુ ઉનાળામાં પાણીની તંગી સમયે જ રાજકોટ મહાનગરપાલિકાને પ્રિ-મોન્સૂન કામગીરી યાદ આવી છે. હજુ શહેરના અલગ અલગ વોર્ડમાં આ પ્રકારે પાણી કાપ ઝીંકવામાં આવે તો નવાઈ નહીં