)
Rajkot News: આ વર્ષે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે રાજકોટમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંના એક જાણીતા ડેરીમાં ભક્તો માટે ખાસ સોનાના વરખ સાથેનો મોદક તૈયાર કરવામાં આવ્યો છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વેપારીઓ જણાવે છે કે સોનાના ભાવ ઊંચા હોવા છતાં આ ગોલ્ડ પ્લેટેડ મોદક ગણેશ ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
આ મોદકની વિશેષતા એ છે કે તેમાં માત્ર સોનાનો વરખ જ નથી, પરંતુ સ્વાદ અને ગુણવત્તાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ મોદક બનાવવા માટે અફઘાનિસ્તાનની ખાસ મોમરો બદામનો ઉપયોગ થયો છે, જે તેને એક અનોખો અને સમૃદ્ધ સ્વાદ આપે છે.
આ ગોલ્ડ પ્લેટેડ મોદકનું વેચાણ રૂ. 12,000 પ્રતિ કિલોના ભાવે થઈ રહ્યું છે. પરંતુ, દરેક વ્યક્તિ સરળતાથી ખરીદી શકે તે માટે, તેને નાના પેકમાં પણ ઉપલબ્ધ કરાયો છે. 125 ગ્રામના મોદકનો ભાવ રૂ. 1450 અને 250 ગ્રામના મોદકનો ભાવ રૂ. 2800 છે. આ કિંમતે, ગ્રાહકોને લાગે છે કે મોંઘા સોનાનું દાન કરવું શક્ય નથી, પરંતુ આટલી કિંમતમાં પ્રસાદ ધરવો એ દાન બરોબર જ છે.
આ ઉપરાંત, આ ડેરીમાં 150થી વધુ વિવિધ પ્રકારના મોદક ઉપલબ્ધ છે, જે દરેક ગ્રાહકની રુચિ અને બજેટને અનુરૂપ છે. આ પહેલથી રાજકોટના ગણેશ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેઓ આ વિશિષ્ટ પ્રસાદને તેમના પ્રિય ગણેશજીને અર્પણ કરી રહ્યા છે.