)
Rajkot News: રાજકોટના જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજિસ્ટ્રેશન રદ થયા છે.
મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે 80 હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી, આ માટે 80 હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે. જે ખેતીવાડી અધિકારીઓને પહોંચાડી દેવાયું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયા છે. ઘણા ખેડૂતોની બુમરાણ છે કે તેમને પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજિસ્ટ્રેશન ફેલના મેસેજ આવ્યા છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં બીજા નંબરના ખરીફ પાક મગફળીના ભાવ બજારમાં ટેકાથી પણ નીચા છે. ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરવા માટે પડાપડી કરી રહ્યાં છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આ વર્ષે નિયમો કડક બનાવ્યા છે. જેને પગલે પ્રથમ રાઉન્ડમાં 80 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન ફેલ ગયા છે. ગુજરાતમાં 40થી 50 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અંદાજો મૂકાયા છે. ચાલુ ખરીફ સીઝનમાં મગફળી માટે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર થયેલ નોંધણીમાં ખેડૂતોએ મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વાવેતર સાથે વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે.
જેમાં તા.૦૮.૦૯.૨૦૨૫ સુધીની નોંધણીના ડેટા તા.૧૬.૦૯.૨૦૨૫ સુધીમાં થયેલ ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરતાં રાજ્યના કુલ ૮૦,૨૦૫ ખેડુતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળ્યો નથી. જેની જિલ્લાવાર સંખ્યા અને ખેડૂતોની યાદી (Excel) આ સાથે બનાવી સરકારે ખેતીવાડી અધિકારીઓને મોકલી આપી છે અને સૂચના આપી છે કે જે માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય છે.
(૧) ઉકત કુલ ૮૦,૨૦૫ ખેડૂતોના નોંધણી હેઠળના સર્વે નંબરમાં ગામના સર્વેયર મારફત ૧00 % DCS ની કામગીરી અગ્રિતમા ધોરણે દિન-૭ માં પૂર્ણ થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
(૨) નોંધણીમાં દર્શાવલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે Play Store પરથી Digital Crop Survey-Gujarat એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે. જે માટે ખેડુતોમાં પ્રચાર પ્રસાર કરવો. જેની ખેડુતોને તાલીમ માટે રાજ્ય લેવલે તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ દરમિયાન બાયસેગ વંદે ગુજરાત ચેનલ-૪ મારફતે સેટકોમ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેની આપના જિલ્લાના સર્વેયરો તેમજ ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર માટે ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.
સરકારે ખરીફ 2025-26 સીઝન દરમિયાન પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણીની મુદત વધારી છે.
કેન્દ્ર સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતો હવે 22 સપ્ટેમ્બર, 2025 સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો માટે નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ખેડૂતો ત્રણ રીતે નોંધણી કરાવી શકે છે. તેઓ જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી શકે છે. ગામમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ (VCE) મારફતે નોંધણી કરાવી શકે છે. વધુમાં, ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. ભારત સરકારે ખરીફ સીઝનમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબિન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ છે.
હવે શું કરવું...
1. ગામનો સર્વેયર જાતે સરવે નંબરમાં ચેક કરવા આવશે.
2. ખેડૂતો જાતે ઓનલાઈન સેલ્ફ સરવે કરી શકે છે એ માટે પ્લે સ્ટોરમાંથી DIGITAL CROP SURVEY GUJARAT નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી જાતે ડિજિટલ ક્રોપ સરવે કરી શકશે. આ માટે 80 હજાર ખેડૂતોએ ફરી પ્રોસસ કરવી પડશે. જો આ પ્રોસેસમાં તેઓએ મગફળીની વાવણી કરી છે એ સાબિત થશે તો ખેડૂતની ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર કરશે પણ જો ફેલ ગયા તો મગફળીની ખરીદી નહીં થાય...
શું છે સમગ્ર મામલો?
જસદણ અને આસપાસના ગામોના ખેડૂતોએ મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળ્યા હતા. આ મેસેજ મળતા જ ખેડૂતોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરકારી તંત્ર દ્વારા સેટેલાઇટ ઇમેજની મદદથી ખેડૂતોના સર્વે નંબરની સરખામણી કરવામાં આવી હતી. આ સરખામણીમાં જે ખેતરોમાં મગફળીનો પાક દેખાયો નહોતો, તેવા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે.
ખેડૂતોનો આક્રોશ
જસદણ પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેમના ખેતરોમાં મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે, છતાં ટેકનિકલ ખામી અથવા તો સેટેલાઇટ ઇમેજ ની ભૂલના કારણે તેમના રજિસ્ટ્રેશન રદ થયા છે. ખેડૂતોના મગફળીના પાક ઉભા હોવા છતાં તેમના રજિસ્ટ્રેશન રદ થતા, ખેડૂતોને મગફળીનો પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે અંગે ચિંતા ઉભી થઇ છે.
પોતાની મુશ્કેલી રજૂ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને તેમણે આ અંગે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સેટેલાઇટની ભૂલના કારણે નિર્દોષ ખેડૂતોને ભોગ બનવું ન પડે અને તેમના રજિસ્ટ્રેશન ફરીથી માન્ય ગણવામાં આવે. આશા છે કે તંત્ર આ મામલે સત્વરે ધ્યાન આપીને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવશે.