Rajkot News: રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સ લેન રોડ બનાવવાનું શરૂ થતાં લોકો ખુશખુશાલ હતા કે ચાલો હવે કઈક સારો રસ્તો બનશે... પરંતુ રોડ બનાવવાની કામગીરીને બે-બે વર્ષ પૂરા થવા છતાં રોડનું કામ પુરુ થઈ રહ્યું નથી... જ્યાં સારા રોડની આશા હતી, તેના બદલે લોકોને સર્વિસ રોડમાં પણ કમરના હાડકાં તોડાવવાની ફરજ પડી રહી છે.. સિક્સલેનના બદલે સર્વિસ રોડથી કેવી રીતે પરેશાન છે જેતપુરના લોકો...
રાજકોટ-જેતપુર વચ્ચે 1204 કરોડના ખર્ચે સિક્સલેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ બે વર્ષમાં પૂર્ણ કરી દેવાની વાત કરાઈ હતી. પરંતુ બે-બે વર્ષ વીતી જવા છતાં રોડનું કામ માંડ 40 ટકા જેટલું પુરુ થયું છે. લોકોને સિક્સલેન રોડ તો નથી મળી રહ્યો, પરંતુ બ્રિજ બનાવવાની કામગીરીના કારણે બનાવેલા સર્વિસ રોડની પણ ખસ્તા હાલત છે.
ખરાબ રસ્તાથી સર્જાય છે ટ્રાફિકજામ
70 કિમી રસ્તો કાપતા થાય છે 4-5 કલાક
વાહનનું ઈંધણ અને સમય બંનેનો વેડફાડ
વાહનોમાં પંક્ચરની સાથે ફાટી જાય છે ટાયરો
રાજકોટથી જેતપુર વચ્ચે બે-બે ટોલટેક્સના બુથ આવે છે. જ્યાં લોકો પાસેથી મસમોટો ટોલ ઉઘરાવવામાં આવે છે. ત્યારે મસમોટો ટોલટેક્સ આપવા છતાં સર્વિસ રોડ પણ સારો ન મળતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સલેન રોડ જે બે વર્ષમાં પૂર્ણ થવાનો હતો, તેનું કામ હજુ 60 ટકા જેટલું બાકી છે. જ્યાં 18 બ્રિજ બનાવવાના છે, ત્યાં હજુ સુધી 4 બ્રિજ જ ખુલ્લા મુકાયા છે. ત્યારે જો નેશનલ હાઇવે ઓથોરિટી સિક્સલેન રોડની કામગીરી જલદી પૂર્ણ કરે તો જ લોકોને આ ડિસ્કો રોડની પરેશાનીમાં છૂટકારો મળે એમ છે.