લગ્ન પ્રસંગમાં 2 તોલા જ સોનું! આહિર સમાજના ક્રાંતિકારી નિર્ણય: ખર્ચ પર નિયંત્રણ લાવતો ઠરાવ પસાર!
Rajkot News: હાલર પંથકના આહિર સમાજ દ્વારા લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોના વધી રહેલા ખર્ચાઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સમાજમાં એક નવી દિશા જોવા મળી છે.
Trending Photos
)
Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે હાલર પંથકના આહિર સમાજનું એક વિશાળ સ્નેહ મિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે વસતા હાલર પંથકના આહિર પરિવારોના 1500થી વધુ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
લગ્નના ખર્ચાઓ પર અંકુશ: સર્વસંમતિથી ઠરાવ પસાર
સ્નેહ મિલન દરમિયાન, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સર્વસંમતિથી આ ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવનો મુખ્ય હેતુ સમાજના લોકોને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો અને ખોટા દેખાડાને બંધ કરવાનો છે.
ઠરાવમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે..
- સોનાના દાગીના પર નિયંત્રણ: લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં, તેમજ દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
- મામેરામાં રોકડ મર્યાદા: મામેરામાં 11,000/- (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહીં.
- પ્રિ-વેડિંગનો અંત: લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો.
- જમણવાર મર્યાદિત: લાડવા જમણવાર, માઠાપ્રસંગે જમણવાર, અને શ્રાદ્ધ-પાયસમના જમણવાર માત્ર ઘર તથા બહેન-દીકરી પૂરતા જ મર્યાદિત રાખવા.
- વ્યર્થ ખર્ચ બંધ: કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં. ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન જેવી કોઈ પણ રસમમાં પૈસા ઉડાડવા નહીં.
- રસમોનું સરળીકરણ: કંકુ પગલાં પ્રથા અને પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી. કંકોત્રી રસમ, વાના રસમ, શ્રીમંત અને દીકરી વદામણાંમાં ડેકોરેશન કરવું નહીં અને પેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.
- સામાજિક રીત: વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં.
નિયમોનો ભંગ કરનારને સજા
આ ઠરાવની ગંભીરતા દર્શાવતા, સમાજે નક્કી કર્યું છે કે જો કોઈ પરિવાર આ નિયમોનો ભંગ કરશે તો તેને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ નહીં ભરવામાં આવે, તો તે પરિવારે જાહેરમાં માફી માગવી પડશે અને સમાજમાંથી દૂર કરવામાં આવશે. હાલર પંથકના આહિર સમાજનો આ નિર્ણય અન્ય સમાજો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સામાજિક એકતા દ્વારા વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














