)
Rajkot News : રાજકોટના મોલમાં લાલો ફિલ્મના પ્રિમયરમાં થયેલી અફરાતફરીનો મુદ્દે હવે ફિલ્મના કલાકારો અને ડાયરેક્ટરને રાજકોટ પોલીસનું તેડુ આવ્યું છે. કલાકારોને પૂછપરછ માટે બોલાવાયા છે.
મોલના મેનેજર બાદ કલાકારો પર પણ કાર્યવાહી
રાજકોટ-ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીના માહોલનો મુદ્દો ગરમાયો છે. ગઈકાલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર સામે ગુનો નોંધાયો હતો. મંજૂરી વિના લોકોને એકઠાં કરીને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે મેનેજર સામે ગુનો નોંધાયો હતો. ત્યારે મોલમાં હાજર સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું આવ્યું છે.
... તો કલાકારો સામે ફરિયાદ પણ થઈ શકે છે
પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. જો નિવેદન સંતોષકારક નહિ હોય તો કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઇ શકે છે. મંગળવારે થયેલી અફરાતફરીમાં અનેક લોકો ધક્કે ચડ્યાં હતા.
મંગળવારના રોજ રાજકોટમાં લાલો ફિલ્મનું પ્રમોશન શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયું હતું. જેમાં લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી. ગઈકાલે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં સ્ટારકાસ્ટને મળવા લોકો ઉમટ્યા હતા. બાઉન્સરો વચ્ચે સ્ટારકાસ્ટને લઈ જતા ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા થોડા સમય માટે સ્થિતિ કફોડી બની હતી.
બાળકી ભીડમાં કચડાઈ
આ દરમિયાન મોલની ઇલેકિટ્રક સીડી (એસ્કેલેટર) પાસે સૌથી જોખમી સ્થિતિ ઉભી થઈ. ભીડના દબાણ વચ્ચે એક નાની બાળકી પગથિયા પરથી પટકાઈ ગઈ હતી. ઘટના એટલી અચાનક બની કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા. જો કે હાજર રહેલા બે સજાગ વ્યક્તિઓએ તરત જ આગળ આવી બાળકીનો હાથ પકડી તેને નીચે સરકી જવાથી બચાવી લીધી. સમયસર મળી આવેલી મદદના કારણે બાળકી બચી હતી.