)
Gujarat Politics : રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું એપીસેન્ટર કહેવાય છે. ત્યારે આ એપી સેન્ટરમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યાં છે. એકાએક ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખો અને હોદ્દેદારોને હાજર રહેવા આદેશ કરાયો છે. આ સાથે જ કાનાફૂસી શરૂ થઈ ગી છે. સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીને સંગઠનમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે.
રાજકોટ કમલમ્ ખાતે આજે સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની બેઠક યોજાનાર છે. 11 વાગ્યાથી બપોરના 12:15 વાગ્યા સુધી બેઠકનો ધમધમાટ ચાલશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓની હાજર રહેશે. તેમજ સૌરાષ્ટ્રના જીલ્લા અને શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓને બેઠકમા આવવા સૂચના અપાઈ છે. આ બેઠકમાં SIR ની કામગીરી, સ્વદેશી અભિયાન તેમજ આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માર્ગદર્શન અપાશે.

આ બેઠક પહેલા કંઈક એવુ થયું જેને કારણે રાજકોટના રાજકારણમાં નવો ગણગણાટ શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસ સ્થાને અંજલીબેન રૂપાણીને બી.એલ.સંતોષ મળવા પહોંચ્યા છે. જેથી અંજલીબેન રૂપાણીને સંગઠનમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા પ્રબળ બની છે. બી. એલ. સંતોષ અંજલીબેન રૂપાણીને મળવા પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ સાથે રહ્યા.

ત્યારે આ બેઠક બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં ફેરફાર થાય તેવી શકયતા દેખાઈ રહી છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા તમામ શહેર અને જિલ્લા પ્રમુખો તેમજ ધારાસભ્યો અને સાંસદ સભ્યોના ક્લાસ લેવાઈ તેવી શક્યતા રહેલી છે.