)
Rajkot News ; રાજકોટના ભાયાવદરના રાજપરા ગામમાં પુત્રએ પોતાના પિતાની હત્યા કરાવી છે. સગા પુત્રએ પિતરાઈ ભાઈને સોપારી આપીને પિતાની હત્યા કરાવી દેતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટના ભાયાવદરના રાજપરા ગામમાં વિદેશ જવાની ઘેલછા અને પૈસાની લાલચમાં પુત્રે પિતાના હત્યાનું કાવતરું રચ્યું હતું. પિતરાઈ ભાઈ સાથે મળીને દીકરાએ પિતાની હત્યા નિપજાવી હતી. ભાયાવદર પોલીસ દ્વારા હત્યારા દીકરા રામદે જોગ (ઉંમર 25 વર્ષ) અને ભત્રીજા વિરમ જોગ (ઉંમર 39 વર્ષ) ની ધરપકડ કરવામાં આવી છે.
પિતરાઈ ભાઈને એક લાખ રૂપિયાની સોપારી આપીને પુત્રએ પિતાની હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
પિતાએ ઉતરાવેલ વીમાની રકમ પકવવા માટે કપાતર પુત્રએ પિતાની હત્યા નિપજાવી છે. ભાયાવદર પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે.
દીકરાને હતી રૂપિયાની જરૂર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પુત્ર રામદે જોગને ઈઝરાઇલ નોકરી અર્થે જવા માટે 16 લાખની જરૂર હતી. ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે, એક વર્ષ પૂર્વે પિતાનો લાઇફ ઈન્સ્યોરન્સ ઉતરાવ્યો હતો. પિતા મૃત્યુ પામે તો તેને 50 થી 70 લાખ મળી શકે એમ હતા. તેથી દીકરાએ રૂપિયા માટે પિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. આ માટે તેણે પિતરાઈ ભાઈ વિરમ જોગને તેમાં સામેલ કર્યો હતો. વિરમ જોગને 1 લાખ આપવાની અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી હતી.
કેવી રીતે રચ્યું હત્યાનું ષડયંત્ર
8 ડિસેમ્બરે વિરમે ઉંદર મારવાની અને જીવાત મારવાની દવા ઠંડા પીણામાં ભેળવીને પિતા કાનાભાઈને વાડીએ પીવડાવી હતી, પરંતુ કાનાભાઈને ઉલટીઓ થતાં બધી દવા બહાર નીકળી ગઈ અને તેમનું મૃત્યુ થયું નહોતું. જેના બાદ 9 ડિસેમ્બરે વિરમ જોગ તેના કાકા કાનાભાઈને મોટરસાઈકલ પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો. જ્યાં તેમને દારૂ પીવડાવી ઓરડીમાં સુવડાવ્યા બાદ કુહાડી વડે માથામાં મરણતોલ ઘા મારીને તેમની હત્યા કરી નાખી. આ બાદ બંને ભાઈઓએ કાનાભાઈનું અકસ્માતમાં મોત થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસને કેમ શંકા ગઈ હતી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રાજપરા ગામમાં 9 ડિસેમ્બર, 2025ના રોજ 50 વર્ષીય ખેડૂત કાનાભાઈ મેરુભાઈ જોગનું મૃત્યુ થયું હતું, જેની જાણ ભાયાવદર પોલીસને થઈ હતી. મૃતદેહ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં મૃતદેહ અને આસપાસના વિસ્તાર પર વાહન અકસ્માતના કોઈ નિશાન ન મળતાં પોલીસે આ બનાવ શંકાસ્પદ ગણીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.