)
Rajkot News: રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડૉ. હિમાંશુ ઠક્કર ની હોસ્પિટલ ખાતે એક અનોખો કેસ નોંધાયો હતો. 53 વર્ષીય મહિલા દર્દી, મહેશ્વરીબેન મંગલિકા (રાજકોટ), સુપારી ખાતા સમયે દોઢ સેન્ટીમીટર મોટો ધારદાર કટકો અન્નનળીમાં ફસાઈ ગયો હતો. દર્દીને ગળામાં દુખાવો, ઊબકા તથા પાણી પણ નીચે ન ઉતરતું હોવાથી તાત્કાલિક ડૉ. હિમાંશુ ઠક્કર નો સંપર્ક કરવામાં આવ્યો.
ડૉ. ઠક્કરે દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન કરી સફળતાપૂર્વક આ ધારદાર સુપારીનો કટકો બહાર કાઢ્યો અને દર્દીને યાતનામુક્ત કર્યા. ખાસ બાબત એ હતી કે દર્દીની અન્નનળીનો ઉપરનો ભાગ (ક્રિકોફેરેન્ક્સ) અત્યંત સંકોચાઈ ગયો હતો, જે હિમોગ્લોબિનની ઉણપને કારણે સર્જાયો હતો. આ કારણે વારંવાર અન્નનળીમાં વસ્તુ ફસાવાની સમસ્યા ઊભી થતી હતી. આ પહેલાં પણ વર્ષ 2014માં, આ જ દર્દીના ગળામાં વટાણો ફસાઈ જતા ડૉ. હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.
દર્દીની પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
“આવા ધારદાર સુપારીના કટકા કાઢતી વખતે વધારાની કુશળતા અને અત્યંત કાળજી જરૂરી બને છે, કારણ કે તેને દૂર કરતી વખતે અન્નનળી ને નુકસાન થવાની શક્યતા રહે છે.” પરંતુ આવા અનેક જટિલ ઓપરેશનો દૂરબીન વડે પાર પાડવામાં માહિર એવા ડૉ. હિમાંશુ ઠક્કરે ફરી એકવાર કોઈપણ જાતના કોમ્પ્લીકેશન વગર આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને દર્દીને યાતનામુક્ત કર્યા.
ખાસ કરીને મહિલાઓમાં થતી આ તકલીફ 40 થી 50 વર્ષીય મહિલાઓમાં વધારે જોવા મળે છે અને મેડિકલ ટર્મિનોલોજીમાં તેને Plummer–Vinson syndrome કહેવાય છે. તેમણે હિમોગ્લોબિનની ઉણપને અવગણ્યા વગર વહેલી તકે સારવાર લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ડૉ. ઠક્કરના જણાવ્યા મુજબ ગળામાં કંઈક ફસાઈ જવું જેવા કેસો ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે પરંતુ પુખ્ત વયના લોકોમાં બહુ ઓછા જોવા મળે છે.
આ ખૂબ જ દુર્લભ કેસ છે અને તે લોહીમાં હિમોગ્લોબિનની અછત સાથે સંબંધિત છે. આ જન જાગૃતિની બાબત છે કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તેને અવગણવું નહીં જોઈએ, કારણ કે તેવા કેસમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.