‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ

‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ
  • દર્દી અને દાતાઓ વચ્ચે સેતુ બન્યું છે રાજકોટનું પ્લાઝ્મા ડોનર ગ્રુપ.
  • રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પ્લાઝ્મા દાન કર્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ :હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો? આ પ્રકારે દર્દીઓના સગા સંબંધીના ફોન કે મેસેજ મળ્યે અમારા ગ્રુપમાં અમે ડોનર્સને મેસેજ મોકલી દઈએ છીએ, અમારા ગ્રુપમાં ૩૦૦ થી વધુ મેમ્બર્સ છે, પ્લાઝ્મા ડોનેટ કરવા ઇચ્છુક સભ્ય સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે પ્લાઝમા આપવા.  અત્યાર સુધીમાં અમે ૮૦ થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્માની વ્યવસ્થા કરી આપ્યાનું રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના મનોજભાઈ રાણપરા જણાવે છે. દર્દી અને દાતાઓ વચ્ચે સેતુ બન્યું છે રાજકોટનું પ્લાઝ્મા ડોનર ગ્રુપ. જેમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં કાર્યરત રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના ૩૦૦ થી વધુ સભ્યો છે. જે સમય પડ્યે મદદ માટે દોડી જાય છે. 

એક પણ રૂપિયા લીધા વગર જરૂરિયાતમંદને પ્લાઝમા આપે છે 
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝ્મા દાન કરવાનું એકદમ સલામત અને સ્ટાફ તરફથી ૨૪ કલાક તમામ સહકાર મળતો હોવાનું મનોજભાઈ જણાવે છે. તેમણે કહ્યુ કે, અમારું ગ્રુપ સ્વૈચ્છિક ધોરણે કામ કરે છે. અમારું એક ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે. અહીં અમે પ્લાઝ્મા આપવા ઇચ્છુક લોકોને સભ્ય બનાવીએ છીએ. જ્યારે પણ પ્લાઝ્માની જરૂરિયાત અમને મળે એટલે અમે અમારા સભ્યને ફોન કે ગ્રુપ દ્વારા જાણ કરીએ છીએ. અમે જરૂરિયાતમંદ લોકો પાસેથી એક પણ પૈસો લીધા વગર તેમને પ્લાઝ્માની વ્યવસ્થા કરી આપીએ છીએ.

સોશિયલ મીડિયા પર એક્ટિવ ગ્રૂપ 
આ ગ્રુપના અન્ય સભ્ય હિરેનભાઈ પારેખ ગ્રુપની કામગીરી વિશે જણાવે છે કે, આશરે બે મહિના પહેલા અમે આ ગ્રુપની સ્થાપના કરી, આ ગ્રુપની પ્રેરણા પુરી પાડી છે જીજ્ઞાબેન તન્નાએ, જેમાં અન્ય સભ્યો વિશાલભાઈ માંડલિયા, મિલાપભાઈ શેઠ, ડોક્ટર મનીષ વિડજા તેમજ અન્ય સંસ્થાઓનો સક્રિય સહયોગ મળ્યો છે. ફેસબુક પર જાગૃતિ અર્થે પેજ બનાવ્યું છે. તેમજ અમારા હાલ ત્રણ વોટ્સએપ ગ્રુપ છે. કોરોના સંક્રમિત દર્દીને અમે એક ડિજિટલ ફોર્મની લિંક મોકલીએ છીએ. જેમાં તેમનું બ્લડ ગ્રુપ, કોન્ટેક્ટ ડિટેઇલ તેમજ તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માંગે છે કે નહિ તેની વિગત મેળવીએ છીએ. ત્યાર બાદ અમે આ માહિતી અમારા ડેટાબેઝમાં રાખીએ છીએ. જ્યારે પણ પ્લાઝ્માની જરૂરિયાત ઉભી થાય ત્યારે અમે તેમને રોટેશન વાઈઝ કોલ તેમજ મેસેજ કરીએ છીએ. જે સભ્ય તૈયાર હોય તેમને સિવિલ ખાતે બોલાવી પ્લાઝ્મા લેવડાવી જરૂરિયાતમંદ વ્યક્તિને અહીથી જ પ્લાઝ્મા અપાવી દઈએ છીએ.

ક્યાં સંપર્ક કરવો 
કોરોનાના ગંભીર દર્દીઓને પ્લાઝ્માની જરૂરિયાત હોય તો ૯૯૯૮૪૬૪૭૩૧, ૯૨૨૮૩૦૭૬૬૦ અથવા ૭૫૭૫૦૭૫૭૫૯ વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરવા હિરેનભાઈએ જણાવ્યું છે. આ પૂર્વે લોકડાઉન સમયે અન્નપૂર્ણા ગ્રુપ દ્વારા વિવિધ જગ્યાએથી રોટલીઓનું કલેક્શન તેમજ શાક બનાવી જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યાનું  હિરેનભાઈ જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પ્લાઝ્મા દાન કર્યું છે. અહીંથી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક પ્લાઝ્મા પૂરું પાડવામાં આવે છે. આજ રોજ સિવિલ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરનાર કલ્પેશભાઈ કોટક જણાવે છે કે, મને કોરોનાનું સંક્રમણ થતાં મેં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ પ્લાઝ્મા આપવા હું ખાનગી લેબને નહિ, પરંતુ સિવિલને પ્રાથમિકતા આપું છું, અહીંનું સેટઅપ સરસ છે, અને સ્ટાફનો ખુબ સરાહનીય સહકાર મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news