રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

અહેમદ પટેલના વકીલ તરીકે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહી દલીલો કરી, ચાલુ સુનાવણીમાં પી. ચિદમ્બરમનો ફોન રણકી ઉઠતાં તેમણે તાત્કાલિક નામદાર હાઈકોર્ટની માફી માગી, હાઈકોર્ટે પણ પ્રથમ ભૂલ ગણીને માફી આપી.  
 

રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

અમદાવાદઃ રાજયસભાની વિવાદીત ચૂંટણી સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બળવંતસિંહ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર હવે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. બળવંતસિંહના વકીલે અહેમદ પટેલને કેટલાક સવાલો પુછ્યા હતા, જેના તેમણે જવાબ આપ્યા હતા. અહેમદ પટેલે કોર્ટમાં હાજર થતાં પહેલાં સોગંદનામું રજુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જસ્ટીસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટનો સમય પુરો થઈ જતાં વધુ સુનાવણી શુક્રવારે રાખવામાં આવી છે.  

અહેમદ પટેલને પુછવામાં આવેલા સવાલ અને તેમના જવાબ
સવાલઃ રાજનીતિના કાર્યકાળમાં કોંગ્રેસમાં અત્યાર સુધી તમારી શું-શું પોસ્ટ રહી છે?
જવાબઃ કોંગ્રેસમાં ભોગવેલા તમામ હોદ્દાઓ અંગે અહેમદ પટેલે જવાબ આપ્યો. 

સવાલઃ ઉમેદવારી પત્ર ભરતા સમયે તમારી સાથે કોણ-કોણ હતું?
જવાબઃ અમિત ચાવડા, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ હતા. 

સવાલઃ એ વખતે તમને કેટલા ધારાસભ્યએ પસંદ કર્યા હતા. 
જવાબઃ એ વખતે લગભગ 40 જેટલા ધારાસભ્યોએ મને પસંદ કર્યો હતો. 

સવાલઃ તમારા પોલીંગ એજન્ટ કોણ હતા? 
જવાબઃ ચૂંટણીના ઓબ્ઝર્વર શકિતસિંહ ગોહિલ તથા પોલીંગ એજન્ટ અર્જુનભાઈ મોઢવાડીયા, શૈલેષભાઈ પરમાર, તેમજ બીજુ કોણ હતું એ ખબર નથી. 

સવાલઃ આ ચારેયે તમારી જીત માટે કામ કર્યું હતું એ સાચું કે ખોટું? 
જવાબઃ પ્લીઝ, જીત શબ્દ ન વાપરો તો સારું. આ ચારેય વ્યક્તિએ જીત માટે નહીં પરંતુ તેમને જે જવાબદારી અપાઈ હતી તે ભજવી રહ્યા હતા. 

સવાલઃ ઈલેક્શન કમિશનની પીટીશનની નકલ ક્યારે મળી?
જવાબઃ મને દિલ્હીમાં નિવાસસ્થાને મળી હતી. 

આ ઉપરાંત પણ બળવંતસિંહના વકીલ તરફથી બીજા કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા, જેનો અહેમદ પટેલે વિગતવાર જવાબ આપ્યો હતો. જોકે, સવાલ-જવાબ દરમિયાન કોર્ટનો સમય પુરો થઈ જતાં સુનાવણી અટકાવી દેવામાં આવી હતી. હવે, વધુ સનાવણી શુક્રવારે 2.30 કલાકે યોજાશે. આ દરમિયાન અહેમદ પટેલનું વધુ નિવેદન લેવામાં આવશે. 

ચાલુ કોર્ટમાં પી. ચિદમ્બરમનો ફોન રણકયો
અહેમદ પટેલ વતી દલીલો કરવા માટે હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમ હાજર રહ્યા હતા. અહેમદ પટેલના કેસની સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન જ ચાલુ હાઈકોર્ટમાં પી.ચિદમ્બરમનો ફોન રણકયો હતો. પી. ચીદમ્બરમે તાત્કાલિક નામદાર હાઈકોર્ટની માફી માગી હતી. નામદાર હાઈકોર્ટે તેમની આ પ્રથમ ભૂલ ગણી માફી આપી હતી. ત્યાર પછી પી. ચિદમ્બરમનો ફોન સ્વીચ ઓફ કરી દેવાયો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news