)
Gondal Ribda Firing Anirudhsinh Jadeja : રીબડા અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ ફાયરિંગનો કેસમાં હુમલાનું સાચું કારણ સામે આવ્યુ છે. રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી પર ફાયરીંગનો પ્લાન નિષ્ફળ જતા રીબડા પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરાવ્યું હોવાનું ખૂલ્યું. 7 વર્ષ પુર્વે રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકુટમાં રાજદીપસિંહ અને પિન્ટુએ મારકુટ કરતા તેનો ખાર રાખી ફાયરીંગ કરાવ્યાની રિમાન્ડ પર રહેલા હાર્દિકસિંહે કબૂલાત કરી.
રીબડા અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને આજે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રીબડા લવાયો હતો. પોલીસ દ્વારા હાર્દિકસિંહ પાસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. કઈ રીતે ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો અને શૂટરને કઈ રીતે તૈયાર કર્યા તેનું રી-કન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી હાર્દિકસિંહનો ગોંડલ તાલુકા પોલીસે સુરત પોલીસે કબજો મેળવ્યો છે અને ગોંડલ કોર્ટે હાર્દિકસિંહના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
7 વર્ષ પહેલાની માથાકૂટનો ખાર રાખ્યો
હાર્દિકસિંહ જાડેજા હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રાજદીપસિંહ જાડેજા, પીન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો. બંને યોજનામાં નિષ્ફળ જતા પેટ્રોલ પંપ પર ફાયરિંગની યોજના બનાવી હતી. હાર્દિકસિંહ અગાઉ રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. 7 વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે માથાકૂટ થતા હાર્દિકસિંહને માર મારવામાં આવ્યો હતો. જેમાં રાજદીપસિંહ, પીન્ટુ ખાટડી સહિતના સામેલ હોવાની શંકા હતી.
આ કારણે પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવ્યું હતું
દરમિયાન રિમાન્ડ પર રહેલ હાર્દિકસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ એવી કબુલાત આપી કે, તેને આજથી ૭ વર્ષ પહેલા રાજકોટના રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે ઝઘડો થયો હતો અને આ મેટરમાં રીબડાના રાજદીપસિંહ જાડેજા તથા પિન્ટુ ખાટડી અને જય પોપટ વગેરેએ તેને દોઢસો ફુટ રીંગ રોડ ઉપર સમાધાનના બહાને બોલાવી માર માર્યો હતો. તે જ દિવસે હાર્દિકસિંહ ઉપર તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો અને આ હુમલો રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની હાર્દિકસિંહને પાક્કી ખાત્રી હતી. આ હુમલા અંગે હાર્દિકસિંહે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પણ તેમાં રાજદીપસિંહ કે પિન્ટુ ખાટડીના નામ ન હતા. જેનો ખાર રાખી હાર્દિકસિંહ રોષે ભરાઇ થોડા સમય પહેલા રીબડામાં રાજદીપસિંહ ઉપર ફાયરીંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અને પોતે રીબડા પણ ગયો હતો. પરંતુ આ પ્લાન સફળ રહ્યો ન હતો. ત્યાર પછી રાજકોટમાં પિન્ટુ ખાટડી ઉપર ફાયરીંગ કરાવવા પોતાના સાગરીતોને મોકલ્યા હતા. પરંતુ પ્લાન પણ નિષ્ફળ જતા અંતે રીબડામાં પેટ્રોલ પર ફાયરીંગ કરાવ્યું હતું.
Ambalal Ni Agahi : અંબાલાલ પટેલની મોટી ચેતવણી, હવે ગુજરાતના આ જિલ્લાવાળા સાચવજો
કેરળથી પકડાયો હતો હાર્દિકસિંહ જાડેજા
ગોંડલના રીબડા ખાતે પેટ્રોલપંપ ખાતે ફાયરીંગ કેસમાં કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલે કેરળથી ઝડપી પાડ્યો હતો. અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઈરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર અગ્રવાલ, પ્રાંશુ કુમાર અગ્રવાલ તેમજ વિપિનકુમાર જાટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિપિન કુમાર જાટને ફાયરિંગ કરવાનાના 5 લાખ જ્યારે અભિષેક પવન જીંદલ અને પ્રાન્શુંકુમાર પવન જીંદલને 1-1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર 20 જુલાઈના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
હાર્દિકસિંહે વીડિયો વાયરલ કરી કબૂલ્યો હતો ગુનો
ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી હતી. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી. સાથે જ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના instagram આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.