ગુજરાતી સંગીતકાર પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતનું ગૌરવ અને સુગમ સંગીત સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
 

 ગુજરાતી સંગીતકાર પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ  મોદીએ આપી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ જાણીતા ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે નિધન  થયું છે. 90 વર્ષની ઉંમરે પુરૂષોત્તમ ઉપાધ્યાયે દુનિયાને અલવિદા કીધું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોખનો માહોલ છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. સંગીત ક્ષેત્રે આપેલા યોગદાન બદલ વર્ષ 2017માં તેમનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું.

સંગીતરાક પુરૂષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ 1934ના ખેડાના ઉત્તરસંડાના ધુલિયા ગામે થયો હતો. સંગીતમાં યોગદાન માટે ગુજરાત સરકારે તેમનું ગૌરવ પુરસ્કારથી સન્માન કર્યું હતું. આ સિવાય તેમને વર્ષ 2010માં જીવન ગૌરવ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. 

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ પુરૂષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું- 'ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... 
ૐ શાંતિ 🙏'

સદ્ગતના આત્માની શાંતિ માટે…

— Narendra Modi (@narendramodi) December 11, 2024

પુરુષોત્તમ ઉપાધ્યાયે જ્યારે ગુજરાતમાં સંગીતક્ષેત્રે કારકિર્દી શરૂ કરવાનું નક્કી કર્યું પરંતુ અહિયાં કોઈ અવકાશ ન મળતા તેઓ કોઈને પણ જાણ કર્યા વગર મુંબઈ પહોંચી ગયા હતા. દરમિયાન તેમને જાણીતા એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ઘડી તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણ તે સમયના જાણીતા કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, ગુજરાતી ગાયક દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસના સંપર્કમાં આવ્યા હતા. માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈમાં ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.

અનેક કલાકારો સાથે કામ કરવાની તક મળી
આ ઉપરાંત તેમને મુંબઈની જાણીતી ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંગીત ઇવેન્ટ્સનું સંચાલન કરવાની તક મળી.આ સાથે જ તેઓ ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખતા. અવિનાશ વ્યાસ જ્યારે વિદેશ જાય ત્યારે તેમના ભારતીય વિદ્યાભવનના સંગીતના ક્લાસ ચલાવવાની તક પુરુષોત્તમભાઈને મળતી હતી. થોડા સમય બાદ પુરુષોત્તમભાઈ પોતાના કાર્યક્રમો દેશ-વિદેશમાં ઓર્ગેનાઇઝ કરવા લાગ્યા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ લોકપ્રિય થયા હતા. બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા. લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news