)
રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે. લોકો પોતાના કરોડો રૂપિયા ડિજિટલ અરેસ્ટમાં ગુમાવી રહ્યાં છે. સાયબર ગુનાઓ આચરતાં લોકો અનેક પ્રકારે લોકોને શિકાર બનાવી રહ્યાં છે. રાજકોટમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે. શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેલા એક નિવૃત્ત શિક્ષક ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે.
રાજકોટમાં ડિજિટલ અરેસ્ટની ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં નિવૃત્ત શિક્ષક પાસેથી સુપ્રીમ કોર્ટ તથા રિઝર્વ બેંકના ખોટા દસ્તાવેજો મોકલાવી 1.14 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. નિવૃત્ત શિક્ષકની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદી કુરબાન વલીજી બદામી અનુસાર 29 ઓક્ટોબર 2025ના બપોરે એક વાગ્યા આસપાસ એક ફોન આપ્યો હતો. ફોનમાં સામેની વ્યક્તિએ કહ્યું કે હું જિયો ટેલિકોમ કંપનીમાંથી વાત કરું છું, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે. તમારા ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેંબલીગ તથા સાયબર આતંકવાદ માટે થયો છે.
ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિએ નિવૃત્ત શિક્ષકને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવા જવાનું કહ્યું હતું. જ્યારે શિક્ષકે કહ્યું કે હું સિનિયર સિટીઝન હોવાને કારણે મુંબઈ જઈ શકાય તેમ નથી, તો સામેની વ્યક્તિએ કહ્યું કે હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંપર્ક કરાવી આપીશ, તમે ખુલાશો આપજો.
પછી આવ્યો વીડિયો કોલ
ત્યારબાદ આ નિવૃત્ત શિક્ષકના વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સામે પોલીસની વર્દી પહેરેલી એક વ્યક્તિ હતી. તેણે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપી હતી. તેણે પીડિતને તેનું નામ અને પરિવારની વિગતો પૂછી, જે નિવૃત્ત શિક્ષકે જણાવી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ પીડિતનો આધાર નંબર પણ માંગ્યો હતો.
રૂપિયા 1.14 કરોડ પડાવી લીધા
ત્યારબાદ ફોન કરનારે નિવૃત્ત શિક્ષકને વિવિધ કેસમાં સજાની ધમકી આપી કહ્યું કે અમે તમને ફિઝિકલ અરેસ્ટ કરતા નથી, પરંતુ ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ. અમે તમને કહીએ તેમ કરશો તો સાયબર આતંકવાદ કેસમાં રાહત આપીશું.
ત્યારબાદ પીડિતના વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર અને આરબીઆઈનો સિક્કો મારેલો દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં જે ખાતા હોય તેમાં રૂપિયા જમા કરાવવાના હતા. આરોપીએ કહ્યું કે હું તેનાથી ગભરાઈ ગયો હતો અને મારા પેન્શન ખાતા તથા મારી પત્નીના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 1.14 કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા હતા.