રાસાયણિક ખેતીના કારણે ગુજરાતમાં આ જીવલેણ રોગનો ખતરો વધ્યો! ખેડૂતોને સમજાવ્યા કૃષિના 5 આયામો

Cancer due to chemical farming: ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલ દેવવ્રતજીનું આહ્વાન. સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલે હાંકલ કરી.

રાસાયણિક ખેતીના કારણે ગુજરાતમાં આ જીવલેણ રોગનો ખતરો વધ્યો! ખેડૂતોને સમજાવ્યા કૃષિના 5 આયામો

Cancer due to chemical farming: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી એ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ વધે છે, અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે. 

Add Zee News as a Preferred Source

વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા 9 લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી. 

તેમણે જણાવ્યું કે પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ, હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશે, ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જ, તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશે, અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે.

પોતાના ઉદ્દબોધનમાં, રાજ્યપાલએ પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં ૨૦૦ એકર જમીન અને ૪૦૦ ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે.

રાજ્યપાલએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) ૦.૫ થી નીચે હોય, તે બંજર ગણાય છે, અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચે આવી ગયો છે (૦.૨, ૦.૩, ૦.૪ જેટલો). આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે.

તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન ૧૦% જેટલું ઘટી ગયું છે, અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે.

રાજ્યપાલએ ૭ નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને, ગુજરાતમાં કેન્સરના ભયાનક વધારા અંગે આંકડા રજૂ કર્યા. ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ ૭૯૦ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે ૨૦૨૦માં ગુજરાતમાં ૭૦,૦૦૦ કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે, એટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે.

 

આરોગ્ય સંકટની ગંભીરતા દર્શાવતા, તેમણે જણાવ્યું કે પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં ૨.૮૮ લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમણે ખેડૂતોને વિનંતી કરી કે તેઓ એવી ખેતી ન કરે જે લોકોનું જીવન લે છે, જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે યુએનઓનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે, તો આગામી ૭-૮ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.

રાજ્યપાલે ખેડૂતોની એ ભ્રાંતિને દૂર કરી કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ખેડૂતો જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) કરશે તો કદાચ ઉત્પાદન ઓછું થઈ શકે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું થતું નથી, પરંતુ ઊલટું વધે છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના હાથ ઊંચા કરાવીને સભામાં જ સાબિત કર્યું હતું કે તેમના ખેતરોની માટીનું ઓર્ગેનિક કાર્બન (OC) ૧ અથવા તેનાથી ઉપર છે અને તેમની જમીન જંગલની ભૂમિ જેવી બની ગઈ છે.

તેમણે પ્રાકૃતિક ખેતીનો એક મોટો ફાયદો જણાવતા કહ્યું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને બેમોસમી વરસાદને કારણે રાસાયણિક ખેતી કરનારાઓ કરતાં ઘણું ઓછું નુકસાન થાય છે. આનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની આખી સેના જમીનમાં છિદ્રો (પોર્સ) બનાવે છે, જેના કારણે ધરતી માતા પાણીને પોતાના પેટમાં સમાવી લેવાની તાકાત વધારી દે છે. જ્યારે રાસાયણિક ખેતીથી બંજર થયેલી જમીન પાણી શોષી શકતી નથી, પરિણામે પાણી ખેતરોમાં ભરાઈ રહે છે અને પાક બરબાદ થઈ જાય છે.

રાજ્યપાલએ બેમોસમી વરસાદ અને પર્યાવરણના દૂષણ માટે રાસાયણિક ખેતીના મોટા યોગદાન પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીએપીનો છંટકાવ કરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા થાય છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે.

તેમણે કૃત્રિમ બીજ દાન સહિતની પશુપાલન અને કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. વાંકાનેર પીએમ પ્રાથમિક શાળા પટાંગણમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે થઈ રહેલી કાર્યવાહીની રૂપરેખા આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news