)
Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામમાં વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કથિત ભુવાએ ભોળી પ્રજાની આસ્થાનો લાભ ઉઠાવીને આઠ વર્ષ સુધી સગી ભત્રીજીનું શારીરિક શોષણ કર્યું. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ચાલતા અંધશ્રદ્ધાના દૂષણ અને તેના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે તે વાસ્તવિકતા સામે લાવી છે.
કડી તાલુકાના ચાલાસણ ગામનો સતિષ પટેલ નામનો આ નરાધમ, જે કથિત રીતે ભુવાનું કામ કરતો હતો, તેણે તેની સગીર ભત્રીજી સાથે આઠ વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું. પીડિત યુવતી જ્યારે બિમાર પડી, ત્યારે આ નરાધમ ભુવાએ 'દોરા-ધાગા' અને 'વિધિ' કરવાના બહાને તેની સાથે અડપલાં શરૂ કર્યા. તેણે યુવતીને ડરાવી-ધમકાવીને કહ્યું કે તેના લગ્ન નહીં થાય અને આના માટે વિધિ કરવી પડશે. વિધિના નામે તેણે કડી-નંદાસણ રોડ પર આવેલા 'રંગોલી ગેસ્ટહાઉસ' સહિત અનેક જગ્યાએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું.
આ ભયાનક ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આખરે હિંમત કરીને પીડિતાએ તેના પરિવારને સમગ્ર હકીકત જણાવી. પરિવારે તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનમાં નરાધમ સતિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધાના નામે સમાજમાં કેટલાક લોકો કેવી રીતે પોતાની હવસ સંતોષે છે અને નિર્દોષ લોકોના જીવન બરબાદ કરે છે. આશા રાખીએ કે પોલીસ આ આરોપીને સખતમાં સખત સજા કરાવશે જેથી આવા નરાધમો સમાજ માટે ઉદાહરણરૂપ બને.