)
Ahmdabd News: અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાનો કેસ ચર્ચામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા તેની શાળા, સેવન્થ ડે સ્કૂલ પાસે પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાને પગલે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સતર્ક બન્યો છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની અંતિમયાત્રામાં 2 હજારથી વધુ લોકો જોડાયા હતા. શોકગ્રસ્ત લોકોનો આ મોટો સમુદાય શાંતિપૂર્ણ રીતે અંતિમયાત્રામાં જોડાયો હતો, પરંતુ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં આટલી ગંભીર ઘટના બનવી એ સમાજ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. આ સમગ્ર મામલામાં હવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ગુનાના મૂળ કારણો શોધી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. આ દુર્ઘટના માત્ર એક હત્યાનો કિસ્સો નથી, પરંતુ બાળકોમાં વધતી જતી હિંસા, તણાવ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે. આશા છે કે આ ગંભીર ઘટનામાંથી શીખ લઈને સમાજ અને શાળાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનશે.
ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચી ગયા હતા. વિદ્યાર્થીના મૃત્યુથી રોષે ભરાયેલા વાલીઓ, હિન્દુ સંગઠનો અને ABVPના કાર્યકરોએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો હતો. વાલીઓમાં ફેલાયેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને, શાળામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે નયન પર હુમલો કરનાર નવમા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે. આરોપી વિદ્યાર્થી ઉપરાંત, વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.
આરોપી વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો હોવાનું કહેવાય છે. વિરોધ કરી રહેલા એક વાલીએ જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ વચ્ચે નોન-વેજને લઈને ઝઘડો થયો હતો. વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાય, વાલીઓ, હિન્દુ સંગઠનો અને એબીવીપી શાળામાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. જેસીપી, ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે છતાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી.