)
Vadodara M.S. University: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કેમ્પસમાંથી આજે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ અને વિદ્યાર્થી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક વિદ્યાર્થીનીની ઓળખ પાયલ ચૌધરી તરીકે થઈ છે. જે મૂળ વલસાડની રહેવાસી હતી અને અહીં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસને શંકા છે કે પાયલનું મોત કરંટ લાગવાના કારણે થયું છે. જોકે, આ ઘટના કેવી રીતે બની અને ફેકલ્ટીમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વિદ્યાર્થીનીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (પીએમ) માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ તેના મોતનું ચોક્કસ અને અંતિમ કારણ સ્પષ્ટ થઈ શકશે. યુનિવર્સિટી કેમ્પસ જેવા સ્થળે આવી ઘટના બનતા વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.