હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનના વિવાદને લઈને હાલમાં આ ગામ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલ છે. આજે મધ્યાન ભોજનના વિવાદનો અંત લાવવા માટે થઈને અધિકારીઓ, પદાધિકારીઓ શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ સંયુક્તમાં ભોજન લીધું હતું. ત્યારબાદ ગામની એક વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી હતી. જેથી વાલીઓએ ધરાહાર વિદ્યાર્થીઓને શા માટે મધ્યાન ભોજનનું જમાડવામાં આવે છે તેવો સવાલ કરીને શાળાના તમામ 153 વિદ્યાર્થીઓના સર્ટી કાઢી આપવા માટે પ્રિન્સિપાલને જણાવ્યું હતું. જેથી કરીને સોખડા ગામમાં હવે નવો વિવાદ ઊભો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકાર દ્વારા નબળા પરિવારના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં શિક્ષણ અને શૈક્ષણિક વસ્તુઓની સાથોસાથ ભોજન પણ મળી રહે તે માટે થઈને મધ્યાન ભોજનની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવી છે અને ગામો ગામ મધ્યાન ભોજનની વ્યવસ્થા ચાલતી હોય છે. જોકે, મોરબી નજીકના સોખડા ગામે ગત જુન મહિનાથી ધારાબેન ગોપીભાઈ મકવાણાને મધ્યાન ભોજનનું સંચાલન સોંપવામાં આવ્યું છે અને ત્યારબાદ ગામના વિદ્યાર્થીઓ મધ્યાન ભોજનનું જમતા નથી અને જ્ઞાતિનો ભેદભાવ રાખીને વિદ્યાર્થીઓ શાળામાં જમતા નથી તેવો આક્ષેપ મધ્યાન ભોજનના સંચાલિકા ધારાબેન ગોપીભાઈ મકવાણાએ કર્યો હતો.


તો સામા પક્ષેથી વાલીઓના કહેવા પ્રમાણે હાલમાં કોરોના વાયરસ, લંપી વાયરસ, જાડા, ઉલટી, તાવ સહિતનો રોગચાળો હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારનું જમવાના બદલે ઘરે બનેલી શુદ્ધ વસ્તુ જમીને શાળાએ આવે છે. જેથી કરીને તે શાળામાં જમતા નથી. આ મુદ્દાને લઈને સોખડા ગામ હાલમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. જેથી કરીને સમગ્ર વિવાદનો અંત લાવવા માટે આજે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડ્જા, શાળાના આચાર્ય સહિતના શિક્ષકો અને સરપંચ સહિતના હોદ્દેદારો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સંયુક્તમાં બપોરે મધ્યાન ભોજનમાં બનાવવામાં આવેલ રસોઈનું ભોજન લીધું હતું.


ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી હતી. જેથી કરીને તેના માતા સહિતના પરિવારજનો શાળાએ આવ્યા હતા અને શા માટે વિદ્યાર્થીને ધરાહાર મધ્યાન ભોજનની રસોઈ જમાડવામાં આવે છે. તેઓ સવાલ કરવામાં આવ્યો હતો. જો વિદ્યાર્થીઓ તેમના ઘરેથી જમીને આવતા હોય તો પછી ધરાહાર શા માટે તેઓને મધ્યાન ભોજનમાં જમવાનો આગ્રહ રાખવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો. 


જો મધ્યાન ભોજનમાં ધરાહાર જમાડવાના થતા હોય તો વિદ્યાર્થીઓના શાળામાંથી સર્ટી કાઢી આપો તેવું વાલીઓએ આચાર્યને કહ્યું હતું. આમ મધ્યાન ભોજનનો વિવાદ પૂરો થવાના બદલે હવે નવો રંગ પકડે તેવું દેખાઈ રહ્યું છે. સરકાર દ્વારા નબળા પરિવારના વિદ્યાર્થીઓને જમવાની પણ વ્યવસ્થા સરકારી શાળામાં મળે તે માટે તેને મધ્યાન ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે.


જોકે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મધ્યાન ભોજનમાં ફરજિયાત જમવું એવો કોઈ નિયમ કે પરિપત્ર નથી. જેથી વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જો પોતાને જમવું હોય તો જમી શકે છે અને ન જમવું હોય તો ન પણ જમે આવું ગામના આગેવાનો ગામના વાલીઓ તેમજ શાળાના મધ્યાન ભોજનના સંચાલિકા પણ સ્વીકારી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube