)
ઉદય રંજન, અમદાવાદઃ દેશના અલગ-અલગ રાજ્યમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી એક ગેંગની ધરપકડ અમદાવાદ સોલા પોલીસે કરી છે. અનેક રાજ્યોની પોલીસ આ ગેંગને ઝડપવા માટે પ્રયાસ કરી રહી હતી. અમદાવાદ પોલીસે મધ્યપ્રદેશ ખાતેથી પવન બાપુડા પારદી ઉર્ફે ભુવન ઉર્ફે જાડીયો , સચીન ઉર્ફે દેવરાજ ધરમભાઇ પારદી , પરષોત્તમ ઉર્ફે વીરપ્રતાપ પારદી , સાગર હરીસીંગ ઉર્ફે કાલીયા પારદીને ઝડપી પાડયા છે અને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાપુડા ગેંગના ઝડપાયેલા સાગરીતોની ચોરીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આ ચોરીમાં પકડાયેલ તેમજ નહિ પકડાયેલ આરોપીઓ ભેગા મળી કોઇ એક શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવસ દરમ્યાન રેકી કરવા માટેથી નીકળતા હતા. આ આરોપીઓ દિવસે કોઈ ઘર કે મકાનની ઓળખ કરી રાત્રે તેના પર ત્રાટકતા હતા. ઘર કે મકાનની બારીના સળીયા કાપી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. ત્યારબાદ બધા આરોપીઓ જે પૈસા કે વસ્તુ મળે તેનો ભાગ પાડી લેતા હતા. ત્યારબાદ શહેર બદલી ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. બેથી ત્રણ ચોરી થાય એટલે પોતાના વતન રવાના થઈ જતાં હતા.
આ ચોર ગેંગની પૂછપરછ કરતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં આ ચોર ગેંગ ત્યારે ખાસ ચોરી કરતી જ્યારે કોઈ વાર તહેવાર હોય. કેમ કે વર્તમાન સમયમાં સોલા વિસ્તારમાં ચોરી કરવા પાછળનું કારણ એવું બહાર આવ્યું છે કે આવનારા નજીકના સમયમાં રક્ષાબંધ આવી રહ્યું છે. ત્યારે ચોરીના મુદ્દામાલમાંથી કિંમતી વસ્તુ કે સોના ચાંદીના દાગીના પૈકીના અમુક દાગીના રક્ષાબંધનમાં પોતાની બહેનને ભેટ આપવા માટે ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે અત્યાર સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ છ ગુનાને અંજામ આપી ચૂક્યા છે.
ત્યારે સોલા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં કુલ 6 શખ્સો છે. જેમાં પવન બાપુડા પાદરી ઉર્ફે ભુવન જાડિયો મુખ્ય છે અને જેના પર અત્યાર સુધીમાં 20 ચોરીના ગુના નોંધાયા છે. હાલ તો પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આગળ તપાસ હાથ ધરી છે.