પિતાને કાર નીચે ચગદી નાખનાર સુધી મહામહેનતે પહોંચ્યો દીકરો, પોલીસે ફેરવી દીધું પાણી

અમદાવાદની એક ચોંકાવનારી ઘટનામાં પોલીસની અને આપણા ન્યાયતંત્રની પોકળતા સાબિત થાય છે

Updated By: Feb 27, 2018, 04:44 PM IST
પિતાને કાર નીચે ચગદી નાખનાર સુધી મહામહેનતે પહોંચ્યો દીકરો, પોલીસે ફેરવી દીધું પાણી

અમદાવાદ : અમદાવાદની એક ચોંકાવનારી ઘટનામાં પોલીસની અને આપણા ન્યાયતંત્રની પોકળતા સાબિત થાય છે. શહેરમાં 9 ફેબ્રુઆરીએ બનેલા હિટ એન્ડ રનમાં 70 વર્ષના બાબુભાઈ ગંગારામ પટેલનું મૃત્યુ થયું હતું. આ મામલામાં પોલીસ ખાસ સક્રિય ન થતા તેમના દીકરાએ દિવસ અને રાત એક કરીને આરોપી વિરૂદ્ધ પુરાવા એકઠા કર્યા હતા. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર ચાર કલાકમાં તેને મુક્ત કરી દેતા પિતાના હત્યારાને ઝડપવાની દીકરાની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

આ ઘટનાની વિગતો જોઈએ તો ગોતા ખાતે રહેતા બાબુભાઇ ગંગારામ પટેલ(70) 9 ફેબ્રુઆરીએ સવારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે કારના ચાલક ભીખાભાઈએ તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઇનું 10 ફેબ્રુઆરીએ રાતે 11 વાગ્યે મૃત્યુ થયું હતું. આ અંગે બાબુભાઇના દીકરા મેહુલકુમાર પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાંબો સમય રાહ જોયા પછી આ મામલે પોલીસ ખાસ સક્રિય ન થતા મેહુલે જાતે ઈસ્કોન મોલ, રાજપથ ક્લબ, ઝેડ બ્લૂ તેમજ આસપાસના સ્ટોરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા હતા. આ સીસીટીવી ફુટેજમાં જેમાં અકસ્માતની આખી ઘટના તેમજ ગાડીનો નંબર કેદ થયો હતો. મેહુલે આ બધા ફૂટેજ તેમજ ગાડીનો નંબર અને ચાલક ભીખાભાઇ હરિભાઇ પટોલિયા( કલ્હાર બંગ્લોઝ, નાંદોલી)નું સરનામું પોલીસને આપ્યું હતું.

દીકરાએ સોંપેલા પુરાવાના આધારે પોલીસે 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે ભીખાભાઇની ધરપકડ કરી બપોરે 4 વાગ્યે જામીન ઉપર છોડી મૂક્યા હતા. આમ, પોલીસના  આ અભિગમને કારણે મૃતકના પરિવારની ગુનેગારને સજા અપાવવાની આશા ભાંગી પડી છે.