સાવકા પિતા-પુત્રી વચ્ચે સંબંધ છે એવા વહેમમાં લોહીની હોળી રમાઈ, જમાઈએ કરી સસરાની હત્યા
Crime News : સાવકા પિતા-પુત્રી વચ્ચે આડો સંબંધ છે... તેવો વહેમ રાખીને આણંદના ભાલેજ ગામમાં જમાઈએ સસરાની હત્યા કરી... ડોગ સ્કોડની મદદથી ઉકેલાયો જમાઈનો ભેદ
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની તાડપુરા ચોકડી પાસે આવેલા ખેતરમાં રાત્રીના સુમારે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં જમાઈએ સાવકા સસરાની ધારીયાના ચાર જેટલા ઘા ઝીંકીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આણંદ એલસીબી અને ભાલેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારા જમાઈની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ભાલેજ ગામની તાડપુરા ચોકડી પાસે ખેતરમાં ઝૂપડું બાંધીને પોતાના પરિવાર સાથે રહેતા કિશોર દાંતણીયાએ બુધવારે સવારે ભાલેજ પોલીસ મથક ખાતે પહોંચી તેની પત્ની શિલ્પાના સાવકા પિતાને કોઈ વ્યક્તિએ મારી નાંખ્યા હોવાની વિગતો જાણ કરી હતી. ભાલેજ પોલીસ, ડીવાયએસપી જે.એન પંચાલ અને એલસીબી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જોયું કે, ખુલ્લા ખેતરમાં એક પુરૂષની લોહીથી લથપથ લાશ પડી હતી. પોલીસે તપાસ કરતા મરણ જનાર યુવાનના મોઢા, નાક, જમણા હાથે તેમજ પગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. નજીકમાં જ તપાસ કરતા એક ધારીયું પણ મળી આવ્યું હતુ. જેથી ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું ફલિત થવા પામ્યું હતું.
પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. અને ઘટના સ્થળે ડૉગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં ડોગ હત્યાના સ્થળની નજીકમાં જ આવેલ ઝૂપડાં તરફ દોડ્યો હતો અને ઝૂપડાંમાં રહેલ કિશોર દાંતણીયાના કપડાં પકડી બહાર ખેંચી લાવતા પોલીસે કિશોરને રાઉન્ડ અપ કરી લીધો હતો અને ત્યારબાદ કિશોરની પત્ની શિલ્પાબેનની પુછપરછ કરતા સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઉંચકાઈ ગયો હતો.
પોતાના સાવકા પિતાની પોતાની પતિ કિશોરભાઈ ધીરૂભાઈ દાંતણીયાએ જ ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હોવાની કબુલાત મહિલાએ કરી હતી. જેથી પોલીસે કાર્યવાહી હાથ ઘરીને કિશોરભાઈ દાંતણીયાને પણ ઝડપી પાડીને રાઉન્ડ અપ કર્યો હતો. પૂછપરછ હાથ ઘરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ભરતભાઈ નાયક ફરિયાદી શિલ્પાબેન (ઉ. વ. ૩૨)નો સાવકો પિતા થાય છે. તેણીની માતાએ ભરતભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. શિલ્પા અને કિશોર છેલ્લા બે-ત્રણ વર્ષથી તાડપુરા ચોકડી ખાતે રહેતા હતા અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા.
આ દરમ્યાન ભરત અવાર-નવાર તાડપુરા ચોકડી ખાતે આવતો હતો. જેને લઈને શિલ્પાના પતિ કિશોરને એવો વહેમ ભરાઈ ગયો હતો કે, સાવકા પિતા-પુત્રી વચ્ચે આડો સંબંધ છે. ગત ૧૦મી તારીખના રોજ ભરત લીમડીથી તાડપુરા આવ્યો હતો અને સાવકી પુત્રીના ઘરે રોકાયો હતો. રાત્રીના સુમારે મજુરી કામ કરીને ઘરે પરત આવેલા કિશોરએ શિલ્પાના પિતા ભરતભાઈ નાયક સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઘરમાં પડેલું ધારીયું ઉઠાવીને ભરતને મોઢાના ભાગે, નાક ઉપર તેમજ જમણા હાથે-પગે ઘા મારી દેતાં તેનં સ્થળ પર જ મોત થયું હતુ. પોલીસે આરોપી કિશોર દાંતણીયાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે