રાજકોટ : બીમાર માતાને સાચવવી ન પડે એટલે દીકરાએ તેને ફેંકી દીધી ચોથા માળથી! Video
ત્રણ મહિના પહેલાં રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી
રાજકોટ : ત્રણ મહિના પહેલાં રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રહેતાં 64 વર્ષિય વૃદ્ધા જયશ્રીબહેન વિનોદભાઈ નાથવાણીએ ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હોવાના અરેરાટીભર્યા સમાચાર આવ્યા હતા. જોકે આ મામલામાં શોકિંગ ટ્વિસ્ટ આ્વ્યો છે. એક નનામી અરજી આધારે સીસીટીવી ફુટેજની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે હકીકતમાં આ વૃદ્ધાને તેના દીકરા સંદીપે જ ઉપરથી ફેંકી દીધી હતી જેથી તેની સેવાચાકરી ન કરવી પડે.
બીમારીના કારણે પગલું
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે જ્યારે તપાસ કરીને સંદીપની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું છે કે પુત્ર સંદીપે માતાની બીમારીથી કંટાળી તેની હત્યા કરી હતી. પોલીસને નનામી અરજી મળ્યા બાદ તે જ બિલ્ડિંગના સીસીટીવીની ઝીણવટ ભરી તપાસ કરતાં પુત્રની ભેદી હીલચાલ દેખાતી હતી. તે અગાસી પર માતા સાથે જતા દેખાયો પરંતુ વળતા તે એકલો જ નીચે ઉતરતા પણ દેખાતા પોલીસની શંકા કન્ફર્મ થઈ ગઈ હતી.
પ્રોફેસર દીકરાનું કુકર્મ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પુત્ર પ્રોફેસર છે. તેની માતા પણ નિવૃત શિક્ષક હતા અને મગજની સારવાર માટે જામનગરથી રાજકોટ આવ્યા હતા. જોકે સંદીપ તેમની સારવારથી થાકી ગયો હતો એટલે આ હિચકારું પગલું ભર્યું હતું.