)
Gujarat Weather Forecast: ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ભુજ અને ડીસામાંથી ચોમાસાએ વિદાય લીધી છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 22 સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે, પરંતુ આ વર્ષે અપેક્ષિત તારીખ કરતાં એક અઠવાડિયા વહેલા જ એટલે કે 16 સપ્ટેમ્બરથી તેની વિદાયની શરૂઆત થઈ છે.
આ વર્ષે 16 જૂનના રોજ ચોમાસાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો અને 16 સપ્ટેમ્બરથી તેની એક્ઝિટની પ્રક્રિયા શરૂ થઈ છે. આગામી એક સપ્તાહમાં આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જોકે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
સિઝનનો 109 ટકા વરસાદ, જળાશયો છલકાયા
આ વર્ષે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં સિઝનનો કુલ 109 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાયા છે, જે ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ 91 ટકા જળસ્તર છે. 111 ડેમ તો સંપૂર્ણ ભરાઈ ગયા છે, અને 145 જળાશયો હાઈ એલર્ટ પર છે.
ક્યાં કેટલું પાણી?
સરદાર સરોવર ડેમ: 92.47%, મધ્ય ગુજરાત: 96.92%, દક્ષિણ ગુજરાત: 90.74%, ઉત્તર ગુજરાત: 88.98%, સૌરાષ્ટ્ર: 141 જળાશયોમાં 87.62% અને કચ્છ: 20 જળાશયોમાં 85.13% પાણીનો સંગ્રહ થયો છે. આ આંકડા દર્શાવે છે કે આ વર્ષનો સારો વરસાદ ઉનાળા માટે પાણીની ચિંતાને મોટા પ્રમાણમાં દૂર કરી રહ્યો છે.