આ ગુજ્જુ આદીવાસી યુવતિની સંઘર્ષગાથા વિશે જાણીને તમે પણ કરશો Salute

આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજે ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે વિવિધ ક્ષેત્રોમાં ટોચના સ્થાને પહોંચેલી મહિલાઓની સિદ્ધિઓની વાત થાય છે. તેમણે મેળવેલી સ્વતંત્રતા, સફળતા અને નામનાની વાતો થાય છે. પરંતુ આપણી આસપાસ રહેલી એવી ઘણી સ્ત્રીઓ છે જેના પ્રત્યે આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, જે સંઘર્ષો સામે લડીને પણ પોતાની મંઝિલ હાંસિલ કરવા તમામ કોશિશ કરી રહી છે અને સશક્તિકરણની કેડી પર મક્કમ ડગલાં ભરી રહી છે. આજે અમે તમને એવી જ એક યુવતિ સુનિતા ગામીતની સંઘર્ષ ગાથા વિશે જણાવીશું. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 8, 2018, 08:23 PM IST
આ ગુજ્જુ આદીવાસી યુવતિની સંઘર્ષગાથા વિશે જાણીને તમે પણ કરશો Salute

અમદાવાદ: આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજે ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે વિવિધ ક્ષેત્રોમાં ટોચના સ્થાને પહોંચેલી મહિલાઓની સિદ્ધિઓની વાત થાય છે. તેમણે મેળવેલી સ્વતંત્રતા, સફળતા અને નામનાની વાતો થાય છે. પરંતુ આપણી આસપાસ રહેલી એવી ઘણી સ્ત્રીઓ છે જેના પ્રત્યે આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, જે સંઘર્ષો સામે લડીને પણ પોતાની મંઝિલ હાંસિલ કરવા તમામ કોશિશ કરી રહી છે અને સશક્તિકરણની કેડી પર મક્કમ ડગલાં ભરી રહી છે. આજે અમે તમને એવી જ એક યુવતિ સુનિતા ગામીતની સંઘર્ષ ગાથા વિશે જણાવીશું. 

સુનિતા ગામીત આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ દાખલો પૂરો પાડી રહી છે. તેનો એમ.ફિલ. નો અભ્યાસ પૂર્ણ થવાને આરે છે. સુનિતાની બાળપણથી શરૂ કરીને અત્યાર સુધીની સંઘર્ષયાત્રા વિગતે જાણીએ.

ખાંજર ગામ અને આસપાસનો વિસ્તાર
તાપી જિલ્લાના આદિવાસી વિસ્તાર સોનગઢ તાલુકામાં ખાંજર ગામ આવેલું છે. છૂટાછવાયા ઘરો ધરાવતા આ સુંદર નાના ગામના આદિવાસીઓની આજીવિકાનું મુખ્ય સાધન ખેતી, ખેતમજૂરી અને બાંધકામ ક્ષેત્રની મજૂરીનું છે. અહીં મોટા ભાગે ગામીત જાતિના આદિવાસીઓની વસ્તી છે. ચોમાસામાં પૂરતો વરસાદ થાય છે એટલે ખેડૂતો એક કે બે પાક લઇ શકે છે. દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જ અહીં પાણીની ખેંચ પડવાની શરૂ થઇ જાય છે. ઉકાઇ ડેમનો કેચમેન્ટ વિસ્તાર સાવ નજીક હોવા છતાં અહીં સિંચાઇ માટે નહેરોનું નેટવર્ક ઉપલબ્ધ નથી. ચોમાસુ પાણીના જળસંચય માટે ખાસ કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાય છે. ઘરના બીજા ખર્ચ પર કાપ મૂકીને પણ ગામવાસીઓએ પીવાના પાણી માટે 20 લિટરના પાણીના બાટલા ખરીદીને લાવવા પડે છે. આ ગામમાં મોટા ભાગની વસ્તી ગરીબી રેખાની નીચે (Below Poverty Line - BPL) જીવતા આદિવાસીઓની છે.

સુનિતાના ઘરની આર્થિક પરિસ્થિતિ
સુનિતાના માતા-પિતા અરૂણાબેન અને ઉમેશભાઇ બંને ખેતીકામ કરે છે. પોતાના ભાગે આવેલા જમીનના 2-3 નાના ટૂકડાઓ પર ડાંગર, તુવેર જેવા પાક લે છે. ફક્ત ખેતીની આવક પર ઘર ચાલે તેમ ન હોવાથી અરૂણાબેન ખેતમજૂરીએ અને ઉમેશભાઇ બાંધકામ ક્ષેત્રે મજૂરીએ જાય છે. રોજિંદા ધોરણે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે. ખેતરના છેડે આવેલું કાચું ઘર, એ ઘરમાં રહેતું આ મહેનતકશ દંપતી અને મૂળભૂત સુવિધાઓનો સદંતર અભાવ --  આવા સંજોગોમાં ઇ.સ. 1993 માં ખાંજર મુકામે સુનિતાનો જન્મ થયો જે ભવિષ્યમાં 'ધ્રુવનો તારો' સાબિત થવાનો હતો.

પ્રાથમિક શાળા અને આશ્રમ શાળા
ચાર વર્ષની થતાં સુનિતાને ખાંજર ગામની પ્રાથમિક શાળા - 2 માં મૂકવામાં આવી. ઘરમાં ભણવા માટે જરૂરી એવી કોઇ પણ પ્રકારની સગવડ કે વાતાવરણ ન ધરાવતી હોવા છતાં સુનિતા ભણવામાં હોશિયાર સાબિત થઇ. શાળામાં પોતાની હોશિયારીનો પરચો તેણે વખતોવખત આપવા માંડ્યો. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 4 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ 5 થી તેને બંધારપાડા (ઘોડચીત)ની આશ્રમ શાળામાં મૂકવામાં આવી. આશ્રમ શાળામાં તે સ્વાવલંબનના ગુણો શીખી. ભણવા ઉપરાંત રોજબરોજના કાર્યો જાતે કરતા શીખી. ત્યાં પણ તેણે પોતાની હોશિયારીના ચમકારા બતાવવા માંડ્યા. આવા સ્વયં ચમકારા જોઇને ખુશ થયેલા આશ્રમ શાળાની શિક્ષિકાઓએ સુનિતાના માતા-પિતાને ભવિષ્યવાણી કરી દીધી કે "આ છોકરીને ખૂબ ભણાવજો, એની મેળે આગળ નીકળી જશે."

આ વાત સાંભળીને તેના માતા-પિતાએ મક્કમ મનસૂબો કરી લીધો કે કઠોર પરિશ્રમ કરીને, અનેક તકલીફો વેઠીને પણ સુનિતાને વધુ ભણાવીશું. બંધારપાડા આશ્રમ શાળામાં ધોરણ 7 સુધી ભણ્યા બાદ વાંકલા ખાતે સુનિતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શરૂ થયું. 

ઉચ્ચતર માધ્યમિક શાળા
વ્યારાથી માંડવી જવાના રસ્તે વાંકલા નામનું ગામ આવે છે. ત્યાં આવેલા શ્રધ્ધા વિદ્યાલયમાં ધોરણ 8 થી 10 ના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સુનિતાએ પ્રવેશ લીધો. માતા-પિતા-ભાઇ-બહેનથી દૂર છાત્રાલયમાં રહીને સુનિતા ઘડાવા લાગી. ધોરણ 10 સુધી શ્રધ્ધા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને ત્યારબાદ સોનગઢમાં આવેલી સાર્વજનિક હાઇસ્કૂલમાં ધોરણ 11 થી 12 માટે પ્રવેશ લીધો. હવે સુનિતાએ ઘેરથી કોલેજ રોજ 16 કિ.મી. ની આવ-જા (ચાલતા, રિક્ષા, બસ દ્વારા) કરવાની હતી. ઘરમાં આર્થિક સંકડામણ ન પડે તે માટે માતા સાથે ખેતમજૂરીએ ડાંગર કાપવા પણ જઇ આવતી જેના રોજના રૂ. 20 મળતા.  ધોરણ 12 (આર્ટ્સ) ની પરીક્ષામાં કોઇ પણ ટ્યુશન વિના કરેલી જાતમહેનત રંગ લાવી અને 68% રિઝલ્ટ આવ્યું. આ સાથે જ ખાંજર ગામમાં સ્ત્રી સશક્તિકરણની શરૂઆત થઇ એમ કહી શકાય.

સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, સોનગઢ
દરેક પ્રકારની આર્થિક-સામાજિક પરિસ્થિતિનો સામનો કરીને પણ આગળ ભણતા જ રહેવું તે સુનિતાએ નક્કી કરી લીધું હતું એટલે સમાજશાસ્ત્ર સાથે બી.એ. કરવા માટે તેણે સોનગઢ ખાતે આવેલી સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં પ્રવેશ લીધો. રોજિંદા ઘરના કામ અને છૂટક ખેતમજૂરી સાથે સુનિતાએ કોલેજનું ભણતર શરૂ કર્યું. TYBA માં ફરીથી કોઇ પણ ટ્યુશન વિના 64% લાવી સુનિતાએ સ્નાતક કક્ષાનું ભણતર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સ્ત્રી સશક્તિકરણના સફળતાના પ્રવાસની આ તો હજુ શરૂઆત હતી.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (સ્નાતક, અનુસ્નાતક, એમ.ફિલ.)
સમાજશાસ્ત્રમાં બી.એ. (B.A.) ની ડિગ્રી સફળતાપૂર્વક મેળવ્યા બાદ સુનિતાનું નિશાન બી.એડ. (B.Ed.) કરવા તરફ હતું. વીસનગરના ત્રાસવડની મહિલા કોલેજમાં 1 વર્ષ રહીને બી.એડ. કર્યું અને અધધ કહી શકાય તેવા 84% સાથે પ્રથમ નંબરે પાસ થઇ. બી.એડ. ના આવા ઝળહળતા પરિણામ બાદનું નિશાન એમ.એ. (M.A.) હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ. માં પ્રવેશ લીધો અને બે વર્ષમાં 70% સાથે ફરીથી ઝળહળતી ફત્તેહ મેળવી. એમ.એ. પૂર્ણ કર્યા બાદ સુનિતાએ થોડાક સમય માટે સુરત જિલ્લાના કામરેજ પાસે આવેલી ડુંગરા આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવી. પોતાના મળતાવડા સ્વભાવને કારણે ટૂંક સમયમાં શિક્ષકગણ અને બાળકોમાં લોકપ્રિય બની ગઇ.

પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર એવી સુનિતાને તો વધુ ને વધુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હતું. એટલે ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.ફિલ. (M.Phil) નું પ્રવેશ ફોર્મ ભર્યું અને ખૂબ સારા માર્ક્સ સાથે પ્રવેશ પરીક્ષા પાસ કરીને ડિસેમ્બર 2016 માં એમ.ફિલ. માં પ્રવેશ મેળવ્યો. એક વર્ષ દરમ્યાન અથાક મહેનત કરીને સુનિતાએ ઇ.સ. 2017 માં એમ.ફિલ. ની પરીક્ષા 64.40% માર્ક્સ સાથે પાસ કરી છે. હાલમાં તેનો થિસિસ પૂર્ણતાને આરે છે જેનો વિષય છે -- "શિક્ષિત આદિવાસી યુવતીઓ ઉપર આધુનિકરણનો પ્રભાવ : એક સમાજશાસ્ત્રીય અભ્યાસ". 

સુનિતાની સંઘર્ષયાત્રા
ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સુનિતાની બાળપણથી લઇને અત્યાર સુધીની યાત્રા ખૂબ સંઘર્ષમય રહી છે. જીવનમાં આગળ વધવામાં ઘણા જ આર્થિક અને સામાજિક અંતરાયો હોવા છતાં દરેક વખતે તેને ઓળંગીને સુનિતાએ આગેકૂચ જાળવી રાખી છે. સુનિતાના સંઘર્ષની આ ગાથાથી પ્રભાવિત થઇને ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન (MDC) ના વિદ્યાર્થીઓએ 'સુનિતા ગામીત' પર કેસ સ્ટડી શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના જ માસ્ટર્સ ઇન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ (MMCJ) ના વિદ્યાર્થીઓએ સુનિતા ગામીતના ઉચ્ચ શિક્ષણ પ્રત્યેના લગાવ અને તે માટે કરેલા સંઘર્ષથી પ્રભાવિત થઇને પ્રોત્સાહન આપવા "સુનિતા ગામીત તને સલામ – U Go Girl" નામની ટૂંકી વિડિયો ફિલ્મ બનાવી છે જેને કોઇ પણ પ્રકારની જાહેરાત વિના યુટ્યુબ (youtube.com) પર 1280 થી વધુ હીટ્સ મળી છે. સુનિતા ગામીત પરનો આવો જ બીજો કેસ સ્ટડી ગૂજરાત વિદ્યાપીઠના માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) ના વિદ્યાર્થીઓએ 'જીવન કૌશલ્ય કાર્યશાળા' ના ભાગરૂપે કર્યો છે. સુનિતાની ઉંમરના જ યુવાનો સુનિતાની સંઘર્ષયાત્રા જાણીને પ્રભાવિત થાય, તેના પર કેસ સ્ટડી કરે તે ખૂબ આનંદની વાત છે. આ જ યુવાનોએ સુનિતાના ઘરની જાતમુલાકાત લઇને તેના માતા-પિતા-ભાઇ-બહેન સાથે સુનિતાની પ્રગતિ અને ભવિષ્યના આયોજન અંગે વાતચીત પણ કરી છે. આ રીતે શહેરી-ગ્રામ્ય યુવાનોના જોડાણ (bridging the gap efforts) થકી જ દેશમાં સામાજિક ઐક્ય આવશે. આમ, પ્રસ્તુત સંશોધન પત્રમાં સુનિતા ગામીતની યોગ્ય કારણોસર જ ‘સ્ત્રી સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ’ તરીકે ઓળખ આપી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ
એમ.ફિલ. પૂર્ણ કર્યા પછી સુનિતાએ ફક્ત Ph.D. કરવાનું બાકી રહે છે. હાલમાં સુનિતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પાછળ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અનિવાર્ય એવી TET, TAT અને કોલેજ-યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે અનિવાર્ય એવી GSLAT, NET -- એમ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ ચાલી રહી છે. સુનિતાનો આત્મવિશ્વાસ અને બુધ્ધિશક્તિનો ઉંચો ગ્રાફ જોતાં તે આ બધી પરીક્ષાઓમાં પણ અવ્વલ નંબર મેળવશે જ તેમાં શંકાને સ્થાન નથી. સુનિતાના કહેવા પ્રમાણે પ્રાથમિક શાળાના શિક્ષિકા કંકુબેનને જોઇને બાળપણથી જ તેને શિક્ષિકા બનવાનું મન થયું હતું જે વિચાર ઉત્તરોત્તર દ્રઢ થતો ગયો.

સાચું સ્ત્રી સશક્તિકરણ
સુનિતા ગામીતના સંઘર્ષની આ વાત ગુજરાતની અને દેશની યુવતીઓ સુધી પહોંચાડવા પાછળનું કારણ એ જ છે કે સુનિતા સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. શહેરી યુવતીઓ, મહિલાઓ ઘણી બધી સગવડો અને સુવિધાઓ સાથે જીવનમાં અને કારકિર્દીમાં આગળ વધે એને સ્ત્રી સશક્તિકરણ કહી શકાય. પરંતુ બીજી તરફ તમામ અંતરાયોને ઓળંગીને, કોઇ પણ પ્રકારની સુવિધા વગર, સાવ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી (remote tribal area) આપબળે બહાર નીકળીને ઝળહળતી સફળતા મેળવવી એને સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ (real women empowerment) કહેવાય. પ્રાથમિક શાળાથી શરૂ કરીને એમ.ફિલ. સુધીનો અત્યંત અઘરો પ્રવાસ સફળતાપૂર્વક ખેડીને ખેડૂતપુત્રી સુનિતાએ પોતાનું, માતા-પિતાનું, ગામનું, આદિવાસી સમાજનું અને બહોળા અર્થમાં કહીએ તો સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

લેખિકા
સુનિતાએ અભ્યાસમાં જ ઝળહળતી ફતેહ મેળવી છે એવું નથી. તેનામાં વિચારોની સ્પષ્ટતા પણ ખૂબ સરસ છે. તે જે પરિસ્થિતિ જુએ છે તેના વિશે વિચારે છે, મનને પ્રશ્ન કરે છે અને જાતે જ તેનો જવાબ મેળવે છે. આ કારણે તેનામાં દરેક પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ખૂબ વિકસી છે. વિચારોની સ્પષ્ટતા અને નવીન વિચારોને કારણે તે એક મહિલા લેખિકા તરીકે કાઠું કાઢી રહી છે. સોનગઢ વિસ્તારના આદિવાસીઓની જુદી જુદી સમસ્યાઓ વિશે તે વિસ્તૃત છણાવટ કરીને વાચકોને વિચારતા કરી મૂકે છે. એવું નથી કે તે ફક્ત સમસ્યાઓ જ વર્ણવે છે. સમસ્યાનું વર્ણન કર્યા પછી તેનો શક્ય ઉકેલ પણ સૂચવે છે. સુનિતાના સ્વાનુભવ થકી લખાતા લેખો દ્વારા ભવિષ્યમાં આદિવાસી સ્ત્રી સશક્તિકરણનો બહોળો પ્રચાર થવાનો છે.

કારકિર્દી અંગેના વિચારો
સુનિતા તેની ભવિષ્યની કારકિર્દી અંગે સંપૂર્ણપણે સભાન છે. તેની પ્રથમ પસંદગી કોલેજ-યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાવાની છે. સાથે સાથે જ તે સોનગઢ વિસ્તારના આદિવાસીઓમાં શિક્ષણ અને તે થકી સ્ત્રી સશક્તિકરણનો પ્રચાર કરવા માગે છે. તે માટે વિવિધ શાળા, કોલેજોમાં જઇને આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવા માગે છે.

સુનિતા ગામીતની સંઘર્ષયાત્રા અને ત્યારબાદ મળેલી સફળતા પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર/સિમ્પોઝીયમમાં રિસર્ચ પેપર્સ લખાઇ ચૂક્યા છે. મૂળ બારડોલી પાસેના મોતા ગામના ઉત્પલ ભટ્ટ કે જે ડાંગ અને તાપી-સોનગઢ વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં રૂરલ ટ્રાન્સફોર્મેશનના વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવે છે તેમણે છ મહિનાના રિસર્ચ પછી સુનિતા ગામીતની સંઘર્ષયાત્રા પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે જેનું નામ છે -- "મહાગામીત સુનિતા". ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં બનેલી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ટૂંક સમયમાં જ રિલિઝ થશે. સુનિતા ગામીત તેની ઉંમરની યુવતીઓ માટે હકારાત્મક ઉર્જા આપતું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. પોતાના થકી બીજાને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા સુનિતા હંમેશા તત્પર હોય છે. તેથી જ, સુનિતા ગામીત થકી દેશમાં બીજી અનેક સુનિતાઓ ઉભી થાય એ માટેનો એક સન્નિષ્ઠ પ્રયાસ પ્રસ્તુત ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાતના માન. રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીને આ ડોક્યુમેન્ટરી ફિલ્મ થકી સુનિતાની સંઘર્ષયાત્રાની ખબર પડી એટલે તેમણે તા.૧૯ ફેબ્રુઆરીના રોજ સુનિતાને ખાસ રાજભવન ખાતે મુલાકાત માટે બોલાવીને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું.