દાદા વરસ્યા : ગુજરાતના આ 6 શહેરોને ફાળવાયા 3395 કરોડ રૂપિયા, જમીન અને મકાનોના વધશે ભાવ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટે ગુજરાતના 6 શહેરોમાં આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ, આગવી ઓળખ તથા માળખાકીય વિકાસ કામો માટે 3395 કરોડ રૂપિયા ફાળવાશે. ત્યારે આ શહેરોમાં વિકાસના કામો થવાથી જમીન અને મકાનોના ભાવમાં ઉછાળો આવશે.

દાદા વરસ્યા : ગુજરાતના આ 6 શહેરોને ફાળવાયા 3395 કરોડ રૂપિયા, જમીન અને મકાનોના વધશે ભાવ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટેના વિવિધ કામો માટે ત્રણ નવરચિત મહાનગરપાલિકાઓ તથા સુરત મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ 3394.55 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવવાની અનુમતિ આપી છે તેમાં આઉટગ્રોથ ડેવલપમેન્ટ, આગવી ઓળખના કામો તથા આંતર માળખાકીય વિકાસના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરત મહાનગરપાલિકાને ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ, સામાજિક માળખાકીય સુવિધા વિકાસ તેમજ અર્બન મોબિલિટી અને આગવી ઓળખના કામો તથા આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે 3263 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં અને આઉટગ્રોથ વિસ્તારમાં આ રકમમાંથી સ્ટોર્મ ડ્રેનેજ, પાણી પુરવઠો, ટર્શરી ટ્રીટમેન્ટ એન્ડ રિસાયક્લિંગ, લાઇટ એન્ડ એનર્જી ઓફિશિયન્સી તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ  વગેરે માળખાકીય વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે 66.94 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ મુખ્યમંત્રીએ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ મંજૂરી અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ રીનોવેશન, સીટી સિવિક સેન્ટર, પાર્ક એન્ડ ગાર્ડન તથા લેક ડેવલપમેન્ટ એમ 35 કામો માટે 17 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 

આણંદ મહાનગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની નવી ટાંકી, લિંક રોડ અને સ્ટોર્મ ડ્રેઈનના કામો મળી કુલ 9 કામો માટે 17 કરોડ રૂપિયા ફાળવાયા છે.

એટલું જ નહીં, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ એરિયામાં પાણી પુરવઠાના 6 કામો માટે 28 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. રાજ્યની બે નગરપાલિકાઓ ભરૂચ અને સોનગઢ નગરપાલિકાઓને પણ આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની ટાંકી, રાઈઝીંગ મેઈન પાઇપલાઇન તથા સ્ટ્રીટ લાઈટના કામો માટે રકમ મંજૂર કરવામાં આવી છે. તદ્અનુસાર સોનગઢ નગરપાલિકાને 3.99 કરોડ અને ભરૂચને 0.95 કરોડ રૂપિયા ફાળવાશે.

નગરો-મહાનગરોની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતાં વિવિધ કામો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વઢવાણ હેરિટેજ સીટી ફેઝ-1 ધોળી પોળ અને કોટ દીવાલ તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવામહેલ હેરિટેજ ડેવલપમેન્ટ, ઝાલાવાડ હેરિટેજ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ ફેઝ-1 એમ કુલ ત્રણ કામો માટે 35 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.

નવરચિત નડિયાદ મહાનગરપાલિકાને આવા આગવી ઓળખના કામો માટે 30 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ રકમમાંથી નડિયાદમાં ઈપ્કોવાલા હોલ તથા કેમ્પસ ડેવલપમેન્ટ, વાવ રિસ્ટોરેશન તથા હેરીટેજ પાથ અને ગેન્ટ્રી ડેવલપમેન્ટ કામગીરી ઉપરાંત મ્યુઝિયમ અને ખુલ્લા પાર્ટી પ્લોટ સાથે કોમ્યુનિટી હોલના કામો હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાઅં શહેરી વિકાસ વર્ષ 2025ની થઈ રહેલી ઉજવણીમાં આ વિકાસ કામો માટે નાણાં ફાળવણીને પરિણામે નગરો-મહાનગરોમાં હેપીનેસ ઈન્ડેક્ષ ઉંચો આવવા સાથે અર્નિંગ વેલ, લિવિંગ વેલનો અભિગમ પણ સાકાર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news