વાવાઝોડાને લઇને તંત્રનું આગોતરા આયોજન, કોરોનાના દર્દીઓને જરાપણ નહી પડે તકલીફ

રાજ્યભરની ૧૪૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દરદીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે. ૭૪૪ આરોગ્ય ટીમો તૈનાત છે. 

વાવાઝોડાને લઇને તંત્રનું આગોતરા આયોજન, કોરોનાના દર્દીઓને જરાપણ નહી પડે તકલીફ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ગુજરાત ઉપર આવનારા સંભવિત વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ કરીને તંત્રવાહકોની સજ્જતાને આખરી ઓપ આપ્યો હતો.

વિજય રૂપાણી (Vijay Rupani) સોમવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ પહોચ્યા હતા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઊર્જાના અધિક મુખ્ય સચિવ સૂનયના તોમર સહિત આરોગ્ય, માર્ગ મકાન, શહેરી વિકાસ, NDRF સહિતના વરિષ્ઠ અિધકારીઓ સાથે ગઇકાલ સાંજ બાદની વાવાઝોડાની સ્થિતીની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી. 

રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24x7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહિ જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની ૬૬૧ જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે તેમ પણ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, એક તરફ કોવિડ-19 મહામારીનું સંક્રમણ અને બીજી તરફ આ સંભવિત વાવાઝોડાની આફત એમ બેય સામે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર પૂરી સજ્જતા અને સજાગતાથી કાર્યરત થયું છે. 

આ અંગેની વધુ વિગતો આપતાં મુખ્યમંત્રી (CM) એ જણાવ્યું કે, રાજ્યભરની ૧૪૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દરદીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે. ૭૪૪ આરોગ્ય ટીમો તૈનાત છે સાથોસાથ ૧૬૦ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ અને ૬૦૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ જરૂર જણાયે તુરત જ ઉપયોગમાં લઇ શકાય તે માટે ખડેપગે છે.

મુખ્યમંત્રી (CM)  એ જણાવ્યું કે, કોવિડ કોરોના (Coronavirus) ની સારવાર લઇ રહેલા લોકોને આ સંભવિત વાવાઝોડાની સ્થિતીમાં દવાઓ, ઓકસીજન વગેરેના પુરવઠામાં કોઇ રૂકાવટ ન આવે તેની સ્પેશ્યલ કેર રાજ્ય સરકારે કરી છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેમડીસીવીર ઇંજેકશન મોકલી આપવામાં આવ્યા છે તેમજ રાજ્યમાં હાલ રોજના ૧૦૦૦ ટન ઓકસીજનની જરૂરિયાત સામે ૧૭૦૦ ટન જેટલો વધારાનો જથ્થો પણ સુરક્ષિત કરી દેવાયો છે.

મુખ્યમંત્રી (CM) એ આ કરેલી સમીક્ષા અને સંભવિત વાવાઝોડા (Cyclone) ની વિપદાને પહોચી વળવાના રાજ્ય સરકારના પ્લાનીંગ ઇન એડવાન્સ-પ્લાનીંગ ઇન ડિટેઇલની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઇ વાવાઝોડું આજે સોમવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ તીવ્રતા સાથે ગુજરાત પર લેન્ડ થવાની, ત્રાટકવાની સંભાવના છે.

રાજ્ય સરકારે આ વાવાઝોડા (Cyclone) માં કોઇ જાનહાનિ ન થાય તેવા ‘‘ઝીરો કેઝયુઆલીટી’’ અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.

મુખ્યમંત્રી (CM) એ સ્પષ્ટપણે જણાવ્યું કે, દરિયા કિનારે વસતા આવા લોકોનું ફરજીયાત સ્થળાંતર કરાવવાના આદેશો સંબંધિત જિલ્લાઓને આપ્યા છે. દરિયા કિનારાના જિલ્લાઓના વિસ્તારમાં વસતા લોકોને ઘર બહાર ન નીકળવા તેમજ ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા કરાવવામાં આવતા સ્થળાંતરમાં સહયોગ આપવા અપિલ કરી હતી.

આ વિસ્તારોમાં વસતા પશુપાલકોના પશુધનને પણ સલામત સ્થળે ખસેડી લેવાની વ્યવસ્થાઓ પશુપાલન વિભાગ સંબંધિત જિલ્લાના કલેકટરોના સંકલનમાં કરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત પર આવી રહેલી આ સંભવિત વાવાઝોડાની આફતના સામના માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની આ સંભવિત વાવાઝોડાની સ્થિતીની સતત ચિંતા કરીને માર્ગદર્શન આપવા સાથે મદદરૂપ થતા રહ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. 
તેમણે એન.ડી.આર.એફ.ની ૪૪ ટીમ ફાળવી આપી છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવી દેવાયું છે.

મુખ્યમંત્રી (CM) એ કહ્યું કે, દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી.

તેમણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતમાં લોકોને ખાવા-પીવાની સામગ્રી સહિતની જરૂરી વસ્તુઓ માટે સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ., અગ્રણીઓ પોતાના જિલ્લાના કલેકટર તંત્રનો સંપર્ક કરી જરૂર જણાયે લોકોની મદદ માટે સેવાનું દાયિત્વ નિભાવે તેવી પણ અપિલ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ એવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો કે, વહીવટીતંત્ર અને જિલ્લા તંત્રોની સજાગતા, આગોતરા આયોજન અને કર્તવ્યનિષ્ઠાના સમન્વયથી ગુજરાત આ સંભવિત વાવાઝોડાનો મક્કમતાથી મુકાબલો માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય એ રીતે કરવા પ્રતિબદ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news