)
Rajkot News: હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. એક બાજુ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે બીજી બાજુ રાજકોટ પોલીસ દ્વારા કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરના ઝોન 2ના ડીસીપી રાકેશ દેસાઈએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે હોટેલ સંચાલકોને યુવક-યુવતીઓને ટૂંકા ગાળા માટે રૂમ ન આપવાની સૂચના આપી છે. આ મામલે પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક પણ યોજી હતી, જેમાં કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન ઘણી અઘટિત ઘટનાઓ બનતી હોય છે, જેને અટકાવવા માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જો કોઈ બહારગામથી આવેલો વ્યક્તિ હોટેલમાં રૂમ બુક કરાવે તો તેને આપી શકાય, પરંતુ જો કોઈ સ્થાનિક વ્યક્તિ યુવતી સાથે આવે તો તેને રૂમની શું જરૂર પડે? તેમના મતે, આવી રીતે રૂમ ભાડે રાખીને સગીરાઓને લઈ જવામાં આવે છે અને પછી ગંભીર ઘટનાઓ બને છે. પોલીસે હોટેલ સંચાલકોને એ પણ સૂચના આપી છે કે જો કોઈ યુવતી મોઢા પર રૂમાલ કે ચૂંદડી બાંધીને આવે તો તેનું મોં ખુલ્લું કરાવીને ચહેરો ચેક કરવો. આ ઉપરાંત, હોટેલમાં આવતા દરેક વ્યક્તિના આધારકાર્ડના ફોટાને તેના ચહેરા સાથે સરખાવીને ચેક કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
જોકે, આ મામલે એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, નવરાત્રી શરૂ થયા બાદ જ પોલીસને આ નિયમો કેમ યાદ આવ્યા? શું આ પ્રકારની ગતિવિધિઓ માત્ર નવરાત્રી દરમિયાન જ થાય છે? જો આ નિયમો સુરક્ષા માટે એટલા જ જરૂરી હોય તો તે આખું વર્ષ કેમ લાગુ નથી પડતા? સામાન્ય દિવસોમાં પણ આવી ઘટનાઓ બની શકે છે, ત્યારે પોલીસની આ કાર્યવાહી માત્ર તહેવાર પૂરતી જ કેમ સીમિત છે, તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
આ નિર્ણયથી નાગરિકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો પોલીસના આ પગલાંને સકારાત્મક ગણી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને બિનજરૂરી અને તહેવારોના માહોલને બગાડનારું ગણી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, પોલીસનો હેતુ સ્પષ્ટ હોવા છતાં, સમય અને અમલીકરણની પદ્ધતિને લઈને પ્રશ્નો ઊભા થયા છે.