ધો. 10-12ની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડની લાલ આંખ

  ધો. 10-12ની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડની લાલ આંખ

ગાંધીનગરઃ બોર્ડની પરીક્ષામાં ચોરીના દુષણને ડામવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કમર કસી છે. આગામી પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો તેને આકરી સજા ફટકારવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડના હોદ્દેદારોએ આ વખતે કડક નિયમો બનાવ્યા છે. આ વખતે જો કોઈ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ગેજેટનો ઉપયોગ કરતા પકડાશે તો આ વિદ્યાર્થીને ગેરરીતી આચરવા બદલ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવશે. 

જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા દરમિયાન વોટ્સએપ, ઈમેઈલ અથવા સોશિયલ મીડિયા દ્વારા લીક થયેલું પેપર વિદ્યાર્થી પાસે પહોંચશે તો તે વિદ્યાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ્દ કરવામાં આવશે અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. કોઈ પરીક્ષાર્થી પાસેથી મોબાઈલ, સ્માર્ટવોચ, કેમેરા કે અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવશે તો તે વિદ્યાર્થીનું તે પરીક્ષાનું પરિણામ રદ્દ કરવામાં આવશે અને આગામી બે વર્ષ સુધી તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં. 

બોર્ડની પરીક્ષાના નિયમો માટે બોર્ડના અધિકારીઓની જાન્યુઆરી માસમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષા દરમિયાન થતી ચોરી રોકવા માટે અને જે કોઈ હોંસિયાર વિદ્યાર્થી હોય તેને અન્યાય ન થાય તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા આ નિયમોનું સખત પણે પાલન કરાવવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે અને વિદ્યાર્થીઓ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ પરીક્ષામાં થતી ચોરી માટે કરવામાં આવે છે. ગત વર્ષે પણ એક વિદ્યાર્થીએ સ્માર્ટવોચની મદદથી પેપર લખ્યું હતું. તેથી આ વખતે આ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. બોર્ડના અધ્યક્ષે વધુમાં કહ્યું કે, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ચોરીના દુષણને સાખી લેવામાં નહીં આવે જો આ કરતા વિદ્યાર્થી પકડાશે તો તેને આકરી સજા ફટકારવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news