)
Sterling Biotech Corruption Case: બેન્કો અને રોકાણકારોના આશરે 20,000 કરોડ ડૂબાડનાર સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરાને તમામ આરોપોમાંથી મુક્તિ મેળવવા માટે ઓછામાં ઓછા 5100 કરોડ જમા કરાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકારના ધારાશાસ્ત્રી તરફથી સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી છે. અગાઉ, નીતિન સાંડેસરાએ માત્ર 500 કરોડ જમા કરાવીને 20,000 કરોડના બાકી લેણા સામે તમામ જવાબદારીઓમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. જોકે, કોર્ટે સાંડેસરાને તાત્કાલિક રાહત આપ્યા વિના આગામી દસ જ દિવસમાં 2062 કરોડ જમા કરાવી દેવાની સૂચના આપી છે. સમાધાન માટેની આ રકમોનો આખરી આંકડો બુધવાર, 19મી નવેમ્બરના રોજ આપવામાં આવશે. 5100 કરોડનો પ્રાથમિક આંકડો આપવામાં આવ્યો છે.
બેન્કિંગ સેક્ટર માટે જોખમી પ્રથા
બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે આ રીતે મોટી આર્થિક ગુનાખોરી (ક્રિમિનલ એક્ટિવિટી) કરનારાઓને પૈસા ભરીને માફી આપવાની પ્રથા શરૂ કરવામાં આવશે, તો તે બેન્કોના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ પ્રથાથી નિરવ મોદી, જતીન મહેતા, મેહુલ ચોકસી અને વિજય માલ્યા સહિતના તમામ ડિફોલ્ટર્સ (નાણાં નહીં ચૂકવનારા) ઓછી રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે. વડોદરાની કંપનીને રાહત આપીને સરકાર એક ખોટો દાખલો બેસાડી રહી હોવાનું મંતવ્ય છે.
20,000 કરોડનું જંગી દેવું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અહેવાલ મુજબ, સ્ટર્લિંગ બાયોટેક પર કુલ લગભગ 20,000 કરોડ ચૂકવવાનો બોજો છે. આમાં મુખ્યત્વે નીચેની રકમોનો સમાવેશ થાય છે. બેન્કો પાસેથી લીધેલ 15,000 કરોડ, જિલેટીન બનાવવા માટે માલનો સપ્લાય કરનારાઓના બાકી 3,000 કરોડ અને ફોરેન બોન્ડ હોલ્ડર્સ પાસેથી એકત્રિત કરેલા 1,800 કરોડ.
સોલિસીટર જનરલ તુષાર મહેતા તરફથી તમામ કેસમાંથી માફી મેળવવા માટે ઓછામાં ઓછા 5100 કરોડ જમા કરાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ દરખાસ્ત 2019ની સાલમાં સ્ટર્લિંગ બાયોટેકને વન ટાઈમ સેટલમેન્ટ (OTS) પેટે 5383 કરોડ જમા કરાવવાની આપેલી છૂટના અનુસંધાનમાં જ આવી હોવાનું માનવામાં આવે છે.
ભારતની છબી પર કાળી ટીલી
આ કેસના કારણે ભારતની વૈશ્વિક રોકાણકાર (ઇન્વેસ્ટમેન્ટ) ડેસ્ટિનેશન તરીકેની છબિને ગંભીર નુકસાન પહોંચ્યું છે. પરદેશ સ્થિત બોન્ડ હોલ્ડર્સ ભારતીય બોન્ડ્સમાં રોકાણ કરતાં પાંચ વાર વિચાર કરશે. મોટા પાયે થયેલી છેતરપિંડીને માત્ર નાણાં ભરીને માફી આપવાની પ્રથાથી વિદેશી રોકાણકારોમાં ભારત પ્રત્યેનો વિશ્વાસ ઘટી શકે છે.
કોર્ટે આપેલા આદેશમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વન ટાઈમ સેટલમેન્ટની યોજના હેઠળ નક્કી કરેલી રકમ પ્રમાણે, અગાઉ જમા કરાવેલી અને અન્ય રીતે જમા આપેલા નાણાંને બાદ કર્યા બાદ નીતિન સાંડેસરાએ હજી 2062 કરોડ ભરવાના થશે.