અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં 8 વર્ષીય બાળકીને રખડતા ઢોરે સિંગડે ચડાવી ફાંગોળતા બાળકીને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં નગરોળ પાલિકા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધતા ત્રાસ વચ્ચે પાલિકા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું
જિલ્લા મથક પાલનપુરમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે અને રખડતા ઢોરોના આ વધતા ત્રાસ વચ્ચે પાલિકા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું છે. છેલ્લા 2 વર્ષમાં શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે 3 લોકોના મોત નીપજી ચુક્યા છે. તો 10થી વધુ લોકોને રખડતા ઢોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે વધુ એક વાર રખડતાં ઢોરનો ભોગ પાલનપુરના પંચવટી સોસાયટીમાં રહેતી 8 વર્ષીય બાળકી બની છે. 


બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડતા પરીક્ષા આપવા ન જઈ શકી
બાળકી સોસાયટીમાં આવેલા મંદિરમાં ગઈ હતી અને અન્ય બાળકો સાથે પરત ઘરે જઈ રહી હતી તે સમયે જ સોસાયટીમાં ફરી રહેલી એક ગાયે આ બાળકીને સિંગડે ચડાવી ફાંગોળી હતી. અને તેને જ પગલે બાળકીને પીઠ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ. જો કે બાળકીને શાળામાં પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે અને તેવા જ સમયે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડતા બાળકી પરીક્ષા આપવા ન જઈ શકી અને બાળકીના અભ્યાસમાં પણ ભંગ પડતા બાળકીના પરિવારમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.


ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જતી પાલિકા
જો કે બાળકીના પરિવાર અને શહેરીજનો રખડતા ઢોરોનો યોગ્ય નિકાલ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ પાલિકા પોતાની પાસે પકડેલા ઢોર મૂકવાની જગ્યા ન હોવાથી આટલા સમયથી કામગીરી ન થઈ શક્યો હોવાનું ઉચ્ચારણ કરી રહી છે પરંતુ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જતી પાલિકા હવે ગૌશાળા અને પાંજરાપોળો સાથે સંકલનમાં રહી ઢોર પકડવાની વાતો કરી રહી છે.