અમદાવાદ શહેરમાં બપોર પછી વાતાવરણ બદલાયું અને અનેક ઠેકાણે વરસાદ પડ્યો. ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા.

અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોર બાદ જીવરાજ, ધરણીધર, પાલડી સહિત વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. અત્રે જણાવવાનું કે છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લેતા શહેરમાં બફારાનો માહોલ સર્જાયો હતો. લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા અને વરસાદની ચાતક નજરે રાહ જોતા હતા. હવે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી લોકોને રાહત મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી સાચી પડી!
હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ અગાઉ હવામાન ખાતાએ વરસાદ પડવાની આગાહી કરી હતી.
શું કરી હતી આગાહી
અત્રે જણાવવાનું કે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાત દિવસ ભૂક્કા કાઢશે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ અલર્ટ. 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જુઓ વીડિયો