)
Ahmdabad News: લાંબા સમયથી ચાલતા ભાડુઆત અને મકાનમાલિક (Rent-Landlord) વચ્ચેના વિવાદોમાં માર્ગદર્શક બની રહે તેવો એક અત્યંત મહત્ત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મકાનમાલિક દ્વારા કરવામાં આવેલા ભાડા કરારના આધારે મિલકતનો કબજો મેળવનાર ભાડુઆત, ભલે તેણે દાયકાઓ સુધી નિયમિત ભાડું ચૂકવ્યું હોય, પરંતુ તે મકાન માલિકની માલિકી અથવા તેના કાયદેસરના વારસદારના હક્કને પ્રશ્ન ઉઠાવીને પડકારી શકે નહીં.
કેસનો વિવાદ અને ચુકાદો
આ નિર્ણય એક એવા સાત દાયકા જૂના (વર્ષ ૧૯૫૩માં શરૂ થયેલા) મકાનમાલિક-ભાડુઆત વિવાદના કેસમાં આવ્યો છે. મૂળ મકાન માલિક સ્વર્ગસ્થ રામજી દાસની પુત્રવધૂએ તારીખ 12-5-1999ના વસીયતનામાના આધારે દુકાનની માલિકીનો દાવો કર્યો હતો અને પોતાના પરિવારના મીઠાઈના વ્યવસાયના વિસ્તરણ માટે ભાડુઆતને દુકાન ખાલી કરવા જણાવ્યું હતું. મૂળ ભાડુઆતના પુત્રોએ માલિકી હક્કનો વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે રામજી દાસ પોતે આ જગ્યા પર કોઈ માલિકી અધિકાર ધરાવતા ન હતા, પરંતુ આ મિલકત તેમના કાકા સુઆલાલની હતી. ટ્રાયલ કોર્ટે મકાનમાલિકની પુત્રવધૂનો દાવો ફગાવી દીધો હતો કારણ કે તે માલિકી સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. અપીલ કોર્ટ અને હાઈકોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ
મકાન માલિકની પુત્રવધૂએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિનોદચંદ્રનની ખંડપીઠે નીચલી અદાલતોના ચુકાદાના તારણોને અયોગ્ય, વિકૃત અને ભૌતિક પુરાવાઓથી વિપરીત ઠરાવ્યા હતા.
કોર્ટના મહત્ત્વના અવલોકનો:
કોર્ટે જણાવ્યું કે વર્ષ 1953માં સુઆલાલ દ્વારા રામજી દાસની તરફેણમાં કરાયેલા સંબંધિત દસ્તાવેજ (એક્ઝીબીટ પી-18) સહિતના પુરાવા ધ્યાને લેતાં, રામજી દાસની મિલકત પરત્વે માલિકી સ્પષ્ટપણે સ્થાપિત થઈ ગઈ છે. પ્રતિવાદી ભાડુઆત અને તેમના પિતા બંને ૧૯૫૩થી રામજી દાસને ભાડુ ચૂકવી રહ્યા હતા અને તેમના મૃત્યુ પછી પણ તેમના પુત્રોને ભાડુ ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું. લાંબા સમયથી ચાલતી આ ભાડાની ચૂકવણીઓ જ રામજી દાસની માલિકી સાબિત કરે છે. કોર્ટે વર્ષ 2018ના પ્રોબેટના આદેશની નોંધ લીધી હતી, જે રામજી દાસના વસીયતનામાને માન્ય કરે છે. હાઈકોર્ટે આ આદેશને ખોટી રીતે અવગણ્યો હતો. એકવાર વસીયતની ચકાસણી થઈ જાય, પછી તેના દ્વારા મેળવેલ વાદીના દાવાને કાનૂની માન્યતા પ્રાપ્ત થઈ જ કહેવાય.
સુપ્રીમ કોર્ટે મકાનમાલિકની અપીલ મંજૂર રાખીને અંતિમ આદેશો આપ્યા...
ભાડુઆતને છ માસની અંદર વિવાદાસ્પદ મિલકત ખાલી કરીને મકાનમાલિકને તેનો કબજો સોંપવા અંગે હુકમ કર્યો. વધુમાં, ભાડુઆતને બે સપ્તાહમાં એક માસની અંદર બાકી ભાડું (રકમ) ચૂકવવા અને છ માસની અંદર કબજો સોંપવા અંગેની બાંહેધરી ફાઈલ કરવા આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો ભાડુઆત દ્વારા બાંહેધરી ફાઈલ ના થાય, તો મકાનમાલિક મિલકત ખાલી કરાવવા અધિકારી રહેશે.