)
Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે કરવામાં આવતા આયોજનમાં ફરી એકવાર મોટી ખામી સામે આવી છે. ભેસ્તાન પાસે વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર રૂ. 34 કરોડના ખર્ચે બનેલો 600 મીટરનો સિદ્ધાર્થ નગર બ્રિજ આજે ખુલ્લો તો મૂકાયો, પરંતુ તે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે માથાનો દુખાવો બની ગયો છે.
આશ્ચર્યની વાત એ છે કે મનપાએ બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દીધું, પણ બ્રિજ ઉતરતાની સાથે જ સામે રેલવે ટ્રેક આવે છે. આગળ રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ બન્યો જ નથી! પરિણામે વાહનચાલકો ઉત્સાહમાં બ્રિજ પર ચઢે છે ખરા, પણ સામે છેડે રેલવે લાઈન જોઈને 600 મીટરનો બ્રિજ ઉતરીને પાછા ફરવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિકો આ બ્રિજની સરખામણી બાળકોની 'લસરપટ્ટી' સાથે કરી રહ્યા છે. જ્યાં એક છેડેથી ચઢીને બીજા છેડે ઉતરી પાછા આવવાનું હોય છે.
સુરત મનપાનું બુદ્ધિનું પ્રદશન
સુરત મનપાએ બુદ્ધિનું પ્રદશન કર્યું હોવું તેવી કામગીરી સામે આવી છે. અહીં ભેસ્તાન વિસ્તારમાં વાહનચાલકોની સુવિધા માટે મનપા દ્વારા 34 કરોડ રૂપિયાના માતબર ખર્ચે 600 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ કદાચ કાગળ પર આ પ્રોજેક્ટને સફળ ગણાવ્યો હશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. બ્રિજ પૂરો થાય છે ત્યાં આગળ જવાનો રસ્તો જ બંધ છે.
બીજી તરફ ચોંકાવનારી વાત એ છે કે, બ્રિજની માત્ર 10 મીટર પર અન્ય રેલવે ઓવર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. જો કે, આ બ્રિજની કામગીરી હજું પૂર્ણ થઈ નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે અજાણ્યા વાહનચાલકો બ્રિજ પર ચઢે છે, 600 મીટરનું અંતર કાપીને જ્યારે છેડે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આગળ તો રસ્તો બંધ છે. આખરે વાહનચાલકોને કંટાળીને ત્યાંથી જ યુ-ટર્ન લઈ પરત આવવું પડે છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
2019માં વર્ક ઓર્ડર અપાયા છતાં 7 વર્ષે પણ કામ માત્ર 56% જ પૂર્ણ થયું છે. વિલંબને કારણે પ્રોજેક્ટનો ખર્ચ 59 કરોડથી વધીને 74 કરોડ થયો. પાલિકાને 15 કરોડનો વધારાનો બોજ વધ્યો છે.
બ્રિજનું ઉદ્ઘાટન
આજ રોજ મહાનગરપાલિકાએ ભેસ્તાન ખાતે આવેલ સિદ્ધાર્થ નગરનો બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દીધું છે. વાહન ચાલકો પણ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આગળ જવાની સાથે જ રસ્તો ન હોવાથી પાછા ફરી રહ્યા છે. આ બ્રિજ 600 મીટરનો છે. આ બ્રિજનું કામ 34 કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. ત્યારે આ બ્રિજ પૂરો થવાની સાથે જ બીજો અન્ય બ્રિજ શરૂ થાય છે, જેનું કામ હાલ અધૂરું છે. રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજની કામગીરી છેલ્લા કેટલાક વર્ષોથી અડધીથી અટકી પડી છે અને બીજી બાજુ 600 મીટરનો બ્રિજ બનાવી તેનું આજરોજ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. હાલ તો મહાનગરપાલિકા દ્વારા મંગલમ બિલ્ડકોનને અધૂરા બ્રિજની કામગીરી પૂર્ણ કરવા જવાબદારી સોંપવામાં આવી છે.
ડિંડોલી અને લિંબાયતના આશરે 5 લાખ લોકો ખૂબ જ ઝડપથી ડુમસ, વેસુ અને અલથાણ પહોંચી શકત. જ્યાં સુધી રેલવે લાઈનનો બ્રિજ તૈયાર નહોતો, ત્યાં સુધી આ અધૂરી કનેક્ટિવિટીવાળા બ્રિજનું ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કેમ કરવામાં આવી? હજુ રેલવે કનેક્ટિંગ બ્રિજ બનતા 2 વર્ષ જેટલો સમય લાગશે, ત્યાં સુધી આ 34 કરોડનો બ્રિજ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે.
આટલા મોટા ખર્ચ બાદ પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો સાયકલ ઊંચકી ફાટક ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચે કર્યો પરંતુ લોકોને હજું પણ મુશ્કેલીનો જ સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો, આ બ્રિજ અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે.