)
Surat News: સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. એક મહિલા તેના ત્રણ વર્ષના પુત્ર સાથે 13મા માળેથી નીચે પટકાઈ હતી, જેના કારણે બંનેના કરુણ મોત થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે.
ઘટના અને CCTV ફૂટેજનું રહસ્ય
મળતી માહિતી મુજબ, મૃતક મહિલા પૂજાબેન પટેલ (30) અને તેમનો પુત્ર ક્રિશિવ (3) ભીમરાડની માર્તન્ડ હિલ્સના A વિંગમાં છઠ્ઠા માળે રહેતા હતા. તેમના પતિ વિલેષકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે. મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર સાથે તે જ બિલ્ડિંગના C વિંગમાં 13મા માળે ડ્રેસ સિવડાવવા ગયા હતા. આ દરમિયાન, કોઈ અગમ્ય કારણોસર બંને 13મા માળેથી નીચે પટકાયા. CCTV ફૂટેજમાં પહેલા બાળક નીચે પડતું જોવા મળ્યું, અને થોડી જ ક્ષણોમાં મહિલા પણ નીચે પટકાઈ હતી. આ ઘટના બિલ્ડિંગના ગણેશ મંડપ નજીક જ બની હતી, જેના કારણે તાત્કાલિક લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરવામાં આવી. બંનેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
પરિવારજનોના અલગ-અલગ દાવા
આ ઘટના બાદ પરિવારજનોના નિવેદનોએ પરિસ્થિતિને વધુ ગૂંચવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રના આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકના પિયર અને સાસરા પક્ષ વચ્ચે મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે સિવિલ હોસ્પિટલ બહાર ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મૃતકના સાસરા પક્ષનો દાવો છે કે, બાળક નીચે પડી જતાં તેને બચાવવાના પ્રયાસમાં મહિલા પણ નીચે પટકાઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની. બીજી તરફ, મહિલાના પરિજનોએ પોલીસ પાસે આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તેમાં કોઈ અન્ય રહસ્ય છુપાયેલું હોઈ શકે છે.
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
અલથાણ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને આસપાસના લોકોના નિવેદનો પણ લઈ રહી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શું આ ઘટના એક આપઘાત છે કે પછી કોઈ અકસ્માત. આશા છે કે પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે અને પીડિત પરિવારને ન્યાય મળશે.