)
Surat Diamond Hub Crisis: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે દેશો વચ્ચે આર્થિક સંકટ ઉભું કર્યું છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આનાથી દેશના સૌથી મોટા ડાયમંડ હબ ગણાતા સુરતના વેપારીઓના બિઝનેસ પર પણ આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું છે. 2024માં ભારતે અમેરિકાને 9,236.46 મિલિયન ડોલરના ડાયમંડ અને (સોના-ચાંદીના) ઝવેરાતની નિકાસ કરી હતી. જ્યારે બ્રિટનને માત્ર 941 મિલિયન ડોલરના હીરાની નિકાસ કરવામાં આવી હતી. બીજી તરફ અમેરિકામાં હીરાની આયાતમાં બીજો સૌથી મોટો હિસ્સો 28% ઇઝરાયલમાંથી થાય છે.
ટેરિફ પછી મોટો ફટકો
સુરતની મોટી હીરા કંપનીઓ અમેરિકાના ગ્રાહકો પાસેથી ક્રિસમસ માટે મળતા ઓર્ડરને કેન્સલ કરી રહી છે. ટેરિફ પછી આને મોટો ફટકો કહેવામાં આવી રહ્યો છે. ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સોનું, ચાંદી અને હીરાની નિકાસ કરે છે. આ આગામી તહેવારોની સીઝન દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં વર્ષભરના કુલ વેચાણનો લગભગ અડધો ભાગ હોય છે.
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં નિકાસમાં 25 ટકાનો ઘટાડો થયો છે. ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં પણ 30-35 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે, જો ટ્રમ્પનું વલણ અને ટેરિફ પર વલણ આ જ રહેશે, તો નવા ટેરિફ લાગુ થવાથી નિકાસમાં વધુ ઘટાડો થશે, જેની કંપનીઓ પર અસર પડશે. આનાથી દેશને આર્થિક રીતે પણ નુકસાન થશે.
કેટલો ઘટાડો થયો હીરાની નિકાસમાં?
કટ અને પોલિશ કરવામાં આવેલા હીરા (CPD)ની નિકાસ 2021-22માં 9.86 બિલિયન યુએસ ડોલરથી ઘટીને 2024-25માં 4.81 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે, કુલ 50 ટકા ટેરિફ લાદવાથી આગામી મહિનાઓમાં ભારતને ભારે નુકસાન થશે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને સૌથી વધુ ફટકો પડશે. બીજી તરફ નોકરીઓની દ્રષ્ટિએ એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં મુકાશે.
હીરાની કટીંગ, પોલિશિંગ, સોના-ચાંદીને અલગ કરવા અને ઘરેણાં તરીકે તૈયાર કરવામાં લાખો લોકો રોકાયેલા છે. આવી સ્થિતિમાં લોકો માટે પરેશાની ઊભી થઈ શકે છે, જેઓ હીરા કંપનીઓ અને વેપારીઓ માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2025 સુધી યુએસમાં નિકાસ થતા CPD અને LGD હીરા પર કોઈ ડ્યુટી લાદવામાં આવી ન હતી.