)
Surat News ચેતન પટેલ/સુરત : ગોડાદશ વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રૂમમાં હોમિયોપેથિક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. તબીબે ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બનાવ પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાની શક્યતા વર્તાઈ રહી છે. તબીબ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી છે.
પત્ની અમદાવાદમાં નોકરી કરે છે
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લામાં આવેલા રાજુલના ખખબાઈ ગામના વતની અને હાલમાં ડિંડોલી સ્થિત દેલાડવા ગામ પાસે આવેલ માં ખોડિયાર રેસિડન્સીમાં રહેતા ૩૩ વર્ષીય ડો. ભાવેશભાઈ રાહુલભાઈ કવાડ હોમિયોપેથિક તબીબ હતા. તેઓ કિરણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમની પત્ની અમદાવાદ પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
આપઘાત કરવા હોટલનો રૂમ બુક કરાવ્યો હતો
ડો.ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા નેસ્ટ હોટલમાં રૂમ લીધો હતો. જો કે બીજે દિવસે સવારે તેમને રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી હોટલ સ્ટાફે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતો. ગોડાદરા પોલીસે રૂમનો દરવાજો માસ્ટર કીથી ખોલતા તેમાં ડો ભાવેશ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં ડો ભાવેશને ખસેડતા તેમને મૃત ઘોષિત કર્યા હતા.
એનેસ્થેસિયાનુ ઈન્જેક્શન લઈ આપઘાત કર્યો
બાદમાં પોલીસે રૂમની તપાસ કરતા તેમાં એક ઇન્જેક્શનની સિરીંજ અને એનેસ્થેસિયાની બોટલ મળી આવી હતી. આ સાથોસાથ પોલીસને એક ડાયરી મળી આવી છે, જેમાં પત્નીનું ચિત્ર બનાવી ‘આઈ લવ ધારા’ લખ્યું હતું અને બીજા પેજ પર ‘મારો ન્યાય’ શબ્દ લખ્યો હતો.
પત્ની સાથે અણબનાવ ચાલતો હતો
પોલીસ તપાસ દરમિયાન ભાવેશની પત્ની લગ્ન બાદ એક જ વાર સાસરિયે રોકાઈ છે અને બન્ને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો આવતો હતો તેવું સામે આવ્યું છે. હાલ તો પોલિસે સમગ્ર બનાવમાં ડો. ભાવેશ ની પત્નીનું નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.