)
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જાણ બહાર દીકરી સાથે લગ્ન કરનાર યુવક પર પોલીસ સ્ટેશનમાં જ ચપ્પુ વડે હુમલો કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી અને તેના પતિને કોર્ટ મેરેજ અને ગર્ભપાત કરાવવા માટે માતા-પિતાના દબાણ અંગેની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
યુવક સાગર ટાપરે ઓલપાડનો રહેવાસી છે. પહેલા તે અમરોલી વિસ્તારમાં રહેતો હતો. છેલ્લા ચાર વર્ષથી તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના માતા-પિતા આ સંબંધનો વિરોધ કરી રહ્યા હતા. ચાર મહિના પહેલા, યુવતીએ તેના માતા-પિતાની જાણ બહાર સાગર સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન પછી પણ યુવતી તેના પિતાના ઘરે જ રહેતી હતી, અને બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા હતા.
આ દરમિયાન, યુવતી ગર્ભવતી થઈ અને તેને દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો. બે દિવસ પહેલા જ્યારે યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો, ત્યારે તેની માતા તેને અમરોલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં ડોક્ટરે જણાવ્યું કે યુવતી ગર્ભવતી છે. આ વાતની જાણ થતાં જ યુવતીના માતા-પિતાએ તેના પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.
પતિ સાગરને આ વાતની જાણ થતાં, તેણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે, અમરોલી પોલીસે યુવતી, સાગર અને તેના માતા-પિતા સહિત તમામને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા
પોલીસ સ્ટેશનમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે, અચાનક યુવતીના પિતા દેવીદાસ કઢેરેએ ઉશ્કેરાઈને સાગર પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક યુવતીના પિતાને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સસરા દેવીદાસ કઢેરેની ધરપકડ કરી છે. પોલીસી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ ઘટના સમાજમાં પ્રેમ સંબંધો અને આંતરજાતીય લગ્નો પ્રત્યેના તણાવ અને વિરોધને ફરી એકવાર ઉજાગર કરે છે. અને દર્શાવે છે કે કેવી રીતે પરિવારિક વિવાદો ક્યારેક કાયદાની સીમાઓ ઓળંગીને હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે.