)
Surat News ; નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે સુરતના ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટીસ આપી છે. સાથે જ નવો નિયમ લાગુ કર્યો કે, નવરાત્રી આયોજકોએ 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે કે, નવરાત્રિ દરમિયાન ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. ગરબા કરવા આવનારા લોકોની યાદી રાખવી પડશે.
આગામી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે આયોજકોએ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તે પહેલાં ઊભા થનારા મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે સુરત મનપા ફાયર વિભાગ હરકતમાં આવી છે. સુરતના ફાયર વિભાગે ગરબા આયોજકોને 30 મુદ્દાની નોટીસ આપી છે અને તેનું પાલન કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત નિયમોના પાલન અંગે ફાયર ઉપરાંત પોલીસ, ટ્રાફિક, કોર્પોરેશન સહિતના વિભાગોની પણ NOC ફરજિયાત રજૂ કરવી પડશે.
આગ-અકસ્માતની ઘટના નિવારવા આયોજકોને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ લખીને આપું પડશે. નોટરી કરાવી ફાયર વિભાગની એનઓસી લેવી પડશે. નવરાત્રિના આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, તેથી ગરબા કરવા આવનારા લોકોની યાદી આયોજકોએ રાખવી પડશે.
તેમજ ફાયર NOC મેળવવા ગુજરાત સરકારની વેબસાઈટ અરજી કરી ફાયર અભિપ્રાય મેળવવો ફરજિયાત રહેશે. ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટીસ આપી છે તેમાં સ્પષ્ટ લખાયું છે કે, નવરાત્રિ દરમિયાન ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. આ માટે સુરત શહેરમાં નવરાત્રિ આયોજકોએ 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે.
બીજા કયા કયા મુદ્દાઓને આવરી લેવાયા છે
નવરાત્રી મંડપો માટે આ નિયમો ફરજિયાત કરાયા, વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું પડશે. મંડપ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવા જોખમી સ્થળોથી દૂર રાખવો, આયોજન સ્થળ મુખ્ય માર્ગથી 45 મીટરથી વધારે દૂર રાખવો નહીં. ઈલેક્ટ્રિક સબ સ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન કે રેલવે લાઇનથી 15 મીટર દૂર રાખવાનો રહેશે. સ્ટ્રક્ચર કે મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જવલનશીલ પદાર્થો રાખવા નહીં. પ્રવેશદ્વારની ઉંચાઇ અને પહોળાઇ 5 મીટર હોવી જોઈએ.
ફરજિયાત બે “EMERGENCY EXIT” તથા ઈમરજન્સી લાઈટિંગ/સાઈનેજ ગોઠવવા. આયોજન સ્થળે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવો નહીં, દરેક 100 ચો.મી. અંતરે ABC તથા CO2 ફાયર એસ્ટિંગ્યુઝર ફરજિયાત મુકવા. ઈલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઈજનેરની ચકાસણી સાથે જ કરાવવું. LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈ સાધનો, ખુલ્લી જ્યોતનો સંપૂર્ણ પ્રતિબંધ. સ્વયંસેવકો 24 કલાક હાજર રાખવા. જો સૂચનાઓનું પાલન ન થાય અને આગ અકસ્માત બને તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપ સંચાલકો, આયોજકોની રહેશે, તેમ પણ ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે.