)
Surat News ; સુરતની પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં કિશોરની જામીન અરજી દરમિયાન મોટો ખુલાસો થયો છે. 3 હજાર પાનાંના FSL રિપોર્ટમાં ખુલાસો થયો કે, પીડિતાને ગર્ભ પણ હતો.
થોડા સમય પહેલા સુરતની 19 વર્ષીય શિક્ષિકાએ એક કિશોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ બાદ કિશોર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. કિશોરને જુવેનાઈલ હોમમાં મોકલાયો હતો, તો પિતાને જેલમાં ધકેલાયા હતા. બીજી તરફ, કોર્ટે બંનેની જામીન અરજી નકારી કાઢી હતી. તેથી કિશોરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
પોલીસે આપઘાત કરી લેનાર શિક્ષિકાના મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા હતા, તેનો ત્રણ હજાર પાનાંનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિશોર અને પીડિતા વચ્ચે જી-મેઇલ મારફત જે ચેટિંગ થઈ છે, તેમાં પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી.
આ મુદ્દાના આધારે મૂળ ફરિયાદીના એડવોકેટ કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવાની કલમોનો ઉમેરો કરવા જણાવ્યું હતું અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરે એવી દલીલ પણ કરાઈ હતી. દલીલ કરતા તેમણે કહ્યું કે, કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. દલીલ હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ થશે.
પાટીદાર યુવતીએ 13 જુલાઈએ કર્યો હતો આપઘાત
સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.