)
Cyber Crime Cell of Surat Police: સુરત પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટી કાર્યવાહી કરીને 'વર્ક ફ્રોમ હોમ'ના નામે 11.23 લાખની છેતરપિંડી કરનાર આરોપીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો છે.
પીડિતને ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા 'વર્ક ફ્રોમ હોમ'ની ઓફર આપવામાં આવી હતી. તેને ઓનલાઇન પ્રોપર્ટી લીઝ-રીલીઝ કરીને કમિશન કમાવવાની લાલચ આપીને વિવિધ RENT કંપનીઓના ઓનલાઇન પોર્ટલ પર વોલેટ એકાઉન્ટ બનાવડાવવામાં આવ્યું હતું. પીડિત પાસેથી કુલ 12,54,447નું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી ફક્ત 1,30,950 જ ઉપાડવા દેવામાં આવ્યા, જ્યારે 11,23,497 અટકાવીને છેતરપિંડી કરવામાં આવી.
આ મામલે 22 મે, 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 61(2), 3(5) અને આઇટી એક્ટની કલમ 66(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.બેંક ડિટેઇલ્સની તપાસ કરીને ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. તકનીકી તપાસના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતામાં ઠગાયેલા 5 લાખ ટ્રાન્સફર થયા હતા.
આ ખાતામાંથી સાયબર ઠગાઇ માટેની રકમ અન્ય ફરાર આરોપીઓને મોકલવામાં આવતી હતી. આરોપીના ખાતામાં કુલ 30,52,285ના વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે.નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતા સાથે જોડાયેલા ઠગાઇના કેસ આ રાજ્યોમાં પણ નોંધાયેલા છે.
• ગુજરાત: 1
• તેલંગાણા: 1
• કર્ણાટક: 1
• તમિલનાડુ: 2
• કુલ: 5