)
Surat Accident: સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. 'ઝડપની મજા, મોતની સજા' આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર 18 વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે આજે તેના માટે એક ભયાનક હકીકત બની ગઈ છે.
અકસ્માત જોનારાનાં કાળજાં કંપી ઊઠ્યાં
પ્રિન્સ પટેલ પોતાની KTM બાઈક લઈને સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડ લાઇનર બ્રિજ પરથી નીચે ઊતરી રહ્યો હતો. બ્રિજ ઊતરતી વખતે બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાં બાઈક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોનારાનાં કાળજાં કંપી ગયાં હતાં. પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયાં હતાં અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રોડ પર માંસના લોચા વિખેરાયા હતા, જે દ્રશ્ય કોઈના પણ રૂવાંટા ઊભા કરી દે તેવું હતું.
જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોક
અકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 18 વર્ષના જુવાનજોધ દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું. જો તેણે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવલેણ ઈજાથી બચી શકાયું હોત અથવા તો શરીરનાં અંગો આ રીતે ક્ષતવિક્ષત ના થયાં હોત.
જેને વધુ પ્રેમ કર્યો તે બાઈકે જ મોતને નોતર્યું!
પ્રિન્સ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતો અને અવારનવાર બાઈક સ્ટંટ અને સ્પીડના વીડિયો અપલોડ કરતો હતો. મૃત્યુના બે દિવસ પહેલાં તેણે એક રીલ પોસ્ટ કરી હતી. આ રીલમાં તે પોતાની બાઈક (જેને તે 'લેલા' કહેતો હતો) વિશે વાત કરી રહ્યો હતો કે સ્વર્ગમાં જઈને પણ તેને પોતાની બાઈક જેવું કોઈ સુંદર લાગશે નહીં.
તેણે કેપ્શનમાં પણ લખ્યું હતું કે "લેલા કે અલાવા કોઈ નહીં."
આ શબ્દો જાણે કે તેના માટે ભવિષ્યવાણી સાબિત થયા હોય તેમ, આજે તે જ બાઈક પર સવાર થઈને તે કાયમ માટે આ દુનિયા છોડી ગયો છે.
બાઈક પર 'મોન્સ્ટર' લખેલું અને સ્પીડ હતી 144 કિ.મી
પ્રિન્સે 22 સપ્ટેમ્બરે નવી KTM બાઈક ખરીદી હોવાની જાણ સોશિયલ મીડિયા પર કરી હતી. 13 ઓક્ટોબરે તેણે એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેની બાઈકની સ્પીડ 144 કિમી પ્રતિ કલાકની જોવા મળી હતી. તેણે પોતાની બાઈક પર 'મોન્સ્ટર' લખાવ્યું હતું, જે દર્શાવે છે કે તેને સ્પીડનો કેટલો શોખ હતો.