)
Surat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ તો તમે સાંભળ્યા હશે, પણ સુરત પોલીસે હાલ જે પકડ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. સુરત SOG એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડ્યું છે. આ ઝેરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં એટલી છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. માત્ર 6.5 મિલીલીટર ઝેર અને તેની કિંમત છે પાંચ કરોડ 85 લાખ રૂપિયા!
ઝેરનો સોદો કરવા ટોળકી ભેગી થવાની છે!
સુરત SOGને બાતમી મળી હતી કે એક ટોળકી સાપના ઝેરનો મોટો સોદો કરવા માટે સુરતમાં એકઠી થઈ રહી છે. આ બાતમીના આધારે SOGના PI એ ડમી ગ્રાહક તૈયાર કર્યા અને કરોડોની ઓફર આપીને તસ્કરોને જાળમાં ફસાવ્યા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા "પટેલ લાઈફ પાર્ટનર" મેરેજ બ્યુરોની ઓફિસ પર જ્યારે પોલીસે દરોડા પાડ્યા, ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
આ ઓપરેશનમાં પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપ્યા છે. જેમાં સુરતના 2 અને વડોદરાના 5 શખ્સો સામેલ છે. આરોપીઓની ઉંમર 40 થી લઈને 74 વર્ષ સુધીની છે. જેઓ લાંબા સમયથી આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાની શંકા છે. તેમની પાસેથી જે 6.5 મિલીલીટર ઝેર મળ્યું છે. તેની કિંમત અધધ ₹5.85 કરોડ આંકવામાં આવી રહી છે.
સાપના ઝેરનો ઉપયોગ શું કરાતો?
સવાલ એ થાય છે કે આ ઝેરનો ઉપયોગ ક્યાં થવાનો હતો? તો આ વિશે સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું કે, સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશર, કેન્સર અને એન્ટી-વેનોમ દવાઓ બનાવવા માટે થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ આ ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધી રહ્યો છે. સુરત SOGએ આ આંતરરાજ્ય ગેંગને પકડીને વન્યજીવ તસ્કરીનું મોટું નેટવર્ક તોડી પાડ્યું છે.
રાજદીપસિંહે વધુમાં કહ્યું કે, ‘અમે ગુપ્ત માહિતીના આધારે ટ્રેપ ગોઠવી હતી. ડમી ગ્રાહક મોકલીને આ 7 આરોપીઓને મેરેજ બ્યુરોની ઓફિસથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કોબ્રાનું અંદાજે 6.5 ml ઝેર મળ્યું છે. જેની કિંમત 5.85 કરોડ છે. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ ચાલુ છે.’