સુરતમાં બનેવી બન્યો હત્યારો! સાળી સાથે જ લગ્ન કરવાની જીદમાં ખેલાયો લોહિયાળ જંગ!
Surat news: સુરતમાં બનેવી બન્યો હત્યારો. સાળી સાથે જ લગ્ન કરવાની જીદ બની લોહિયાળા. યુપીથી ખરીદી કરવા આવેલા સાળા-સાળીની કરી હત્યા. તો સાસુને પણ છરી મારતા ગંભીર રીતે ઘાયલ.
Trending Photos
)
Surat news: સુરતના ઉધના વિસ્તારના પટેલનગર માં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે, જેમાં એક બનેવીએ પોતાની જ સાળી સાથે લગ્ન કરવાની જીદમાં બે નિર્દોષની હત્યા કરી નાખી છે અને તેની સાસુને પણ ગંભીર રીતે ઘાયલ કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
લગ્નની જીદ બની લોહિયાળ
પ્રાથમિક માહિતી અનુસાર, હત્યારો બનેવી સંદીપ ગોડ પોતાની જ સાળી મમતા અશોક કશ્યપ સાથે લગ્ન કરવા માગતો હતો. આ બાબતને લઈને ઘરમાં લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ (ઉંમર ૩૦) તેની બહેન મમતા અને માતા સાથે ઉત્તર પ્રદેશ (યુપી) થી ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા અને તેઓ બનેવી સંદીપના ઘરે રોકાયા હતા. શુક્રવારે, બનેવી સંદીપ ગોડે ફરીથી સાળી સાથે લગ્ન કરવાની માગણી કરી હતી. આ માગણીને પગલે ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો.
સાળા-સાળીને ઉતાર્યા મોતને ઘાટ
ગુસ્સે ભરાયેલા સંદીપ ગોડે સૌપ્રથમ તેની સાળી મમતા પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા. મમતાને પેટના ભાગે છરીના ઘા મારતા તેનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. ત્યારબાદ સંદીપે સાળા નિશ્ચય અશોક કશ્યપને પણ નિશાન બનાવ્યો. નિશ્ચયને ગળા અને પીઠના ભાગેછરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. આ ભાઈ-બહેનને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ હુમલામાં વચ્ચે પડનાર સાસુને પણ સંદીપ ગોડે છરી મારી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
આ ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થતો હતો. પોલીસે તાત્કાલિક પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સંદીપ ગોડ ફરાર થઈ ગયો છે. ઉધના પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














