‘બાળકોને તંબાકુ ખવડાવીએ, એટલે લાંબો સમય સૂઈ રહે’ આ સાંભળીને સુરતના દંપતીએ જે કર્યું તે જાણીને ગર્વ થશે
- 134 દિવસથી રોજ રસોડામાં 6 કલાક વિતાવીને ગરીબ બાળકો માટે પૌષ્ટિક આહાર તૈયાર કરી છે સુરતનું દંપતી
- અતુલ મહેતા અને મીના મહેતા બંને વર્ષોથી સ્લમ વિસ્તારમાં રહેતી દીકરીઓને સેનેટરી પેડ વિશે માહિતગાર પણ કરે છે
ચેતન પટેલ/સુરત :64 વર્ષના દાદા અને 62ના દાદી છેલ્લા 134 દિવસથી રોજના 6 કલાક કિચનમાં વિતાવે છે. ઘડપણના આરે ઉભેલા આ બંને વૃદ્ધો રોજ મોટા મોટા વાસણો ઉંચકીને ગરીબ બાળકો માટે પૌષ્ટિક આહાર બનાવે છે. લોકડાઉનમાં નાના નાના ગરીબ બાળકોને પૌષ્ટીક આહાર કેવી રીતે મળે એ હેતુથી બંને છેલ્લા ચાર મહિનાથી પોતાના હાથથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. આ માટે તેઓએ એક પણ દિવસ માટે રજા લીધી નથી.
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અતુલ મહેતા અને મીના મહેતા બંને વર્ષોથી સ્લમ વિસ્તારમાં રહેતી દીકરીઓને સેનેટરી પેડ વિશે માહિતગાર કરે છે. તેઓને હાઈજિનના પાઠ આપે છે. આથી લોકો બંનેને પેડ કપલ તરીકે પણ ઓળખે છે. પરંતુ લોકડાઉનમાં તેઓ આ સેવાકાર્ય કરી શકે એમ નથી. તેથી તેઓએ ગરીબ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર આપવાનું વિચાર્યું. બંને છેલ્લા 134 દિવસથી ખડે પગે કિચનમાં ઊભા રહી આટલી ઉંમરે ગરીબ બાળકો માટે પૌષ્ટિક આહાર તૈયાર કરે છે. એટલું જ નહિ, પોતે ભોજન તૈયાર કર્યા બાદ બાળકો માટે ભોજન પેકિંગ પણ કરી આપે છે.
આ પણ વાંચો : દીકરીને બદલે તેનો મૃતદેહ ચૌહાણ પરિવારમાં પહોંચ્યો, રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીનીની આત્મહત્યા
આ અંગે મીના મહેતા જણાવે છે કે, એક દિવસ મેં ટ્રાફિક પોઇન્ટ પર એક ગરીબ મહિલાને જોઈ હતી. ત્યારે મેં એવો પ્રશન પૂછ્યો હતો કે, તેઓનું બાળક શા માટે વધારે સમય ઊંઘે છે. તે અંગેનો જવાબ એ મહિલાએ આપ્યો હતો કે, અમે બાળકને તંબાકુ ખવડાવી દઈએ છે. જેથી બાળક લાંબા સમય સુધી સૂતું રહે છે. આ સાંભળીને મહેતા દંપતી ચિંતામુક્ત બન્યું હતું. તેમના માટે આ જવાબ શોકિંગ હતો. તેઓને વિચાર આવ્યો કે, જો આવા બાળકોને પૌષ્ટિક આહાર અપાય ત તેઓ હેલ્ધી બની શકે છે. ખાસ કરીને કોરોના કાળમાં ઘરે બેસીને પોતાના હાથથી જ આ જમવાનું બનાવવાનું તેઓએ શરૂ કર્યું. તે વિચાર સાથે આજદિન સુધી તેઓ બાળકો માટે જમવાનું તૈયાર કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને પૌષ્ટિક આહાર આપવાના મામલે ભારત 94 ક્રમાંકમાં છે. અમે બાળકો માટે કશું કરવા ઇચ્છતા હતા. જેથી અમે આ સેવા શરૂ કરી છે. અમને ખૂબ જ આનંદ છે. કે અમે આ સેવા થકી ગરીબ બાળકોને જમવાનું બનાવી આપી રહ્યા છીએ. મારી વહુ જ્યારથી આવી છે ત્યારથી હું કિચનમાં ગઈ નથી. પરંતુ 22 વર્ષ બાદ મને કિચનમાં આ બાળકો માટે જમવાનું બનાવવાનો આનંદ આવે છે. અમે 200 થી વધુ બાળકો માટે રોજ જમવાનું બનાવીએ છીએ. સાથે જ વૃદ્ધાશ્રમના 19 જેટલા સિનિયર સિટીઝનને પણ અમે દત્તક લીધા છે. રોજ સાંજનું જમવાનું તેમને મોકલવામાં આવે છે. સાથે તેમની જરૂરની વસ્તુઓ પણ અમે અહીંથી મોકલીએ છીએ.
આ પણ વાંચો : પુખ્ત વયના પ્રેમનું પરિણામ, કિશોરીને બાળક થતા કડકડતી ઠંડીમાં એપાર્ટમેન્ટ નીચે મૂકી દીધું
આ અંગે અતુલ મહેતાએ કહે છે કે, હું મારી લાઈફમાં ક્યારેય કિચનમાં પાણી પણ લેવા જતો ન હતો. પરંતુ ગરીબ બાળકો માટે કશું કરવાની ઈચ્છાને કારણે હાલ હું જમવાનુ બનાવતા પણ શીખી ગયો છું. અમારો મુખ્ય હેતુ બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે એ છે. અમે બાળકોના મુખ્ય આહારમાં ચીઝ, ઘીનો પણ સમાવેશ કરીએ છીએ. તો જમ્યા બાદ તેમને હાલ ઠંડી હોઈ ચીક્કી પણ આપીએ છીએ.
રોજ આટલુ કામ કર્યા છતા મહેતા કપલ થાકતુ નથી. ઉલટાનું, પરિસ્થિતિથી વિપરીત શુગર અને બ્લડ પ્રેશરની તેમની તકલીફો પણ જાણે ઓછી થઇ ગઇ આટલો આનંદ આ કામથી તેમને મળે છે.