)
Surendranagar News: સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીના ઝગડા બાદ કારમાં ધસી આવેલા પાંચ શખ્સોએ યુવાન પર ફાયરીંગ કરી તેમજ છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યારે ફાયરિંગમાં બનાવ બાદ જોરાવરનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસન ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય બાબતમાં ફાયરિંગ કરવાના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક ફાયરિંગમાં બનાવથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝભાઈ માલાણીને અગાઉ ઇરફાનભાઇ ગફુરભાઈ ભટ્ટી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ઇરફાનભાઇ ગફુરભાઈ ભટ્ટી એ ઈમ્તિયાઝભાઈ માલાણી અને તેમના પિતરાઇભાઈ રોનક મોવરને વોટ્સએપ કોલ કરી રતનપર સુધારા પ્લોટ બહાર મુખ્ય રસ્તા પર બોલાવ્યા હતા અને ઈમ્તિયાઝ અને તેનો ભાઈ એક્ટિવા પર ત્યાં જઈ રહ્યા હતા.
તે દરમિયાન સ્કોર્પિયો કાર લઈ અમુક શખ્સો ધસી આવ્યા હતા અને ઈમ્તિયાઝ ભાઈ કાઈ સમજે તે પહેલા જ કાર વડે એક્ટીવા ને ટક્કર મારી હતી. આથી ઈમ્તિયાઝ અને તેનો ભાઈ રોનક બંને એક્ટીવા પરથી નીચે પટકાયા હતા અને જીવ બચાવવા ઈમ્તિયાઝભાઈ અને રોનકે ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા રિયાઝ ભટ્ટીએ તેની પાસે રહેલ હથિયાર વડે અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રમઝાને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ઈમ્તિયાજભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જાણ થતાં જોરાવરનગર પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ મામલે ઈમ્તિયાઝભાઈના પિતરાઈ ભાઈ રોનક મોવર એ જોરાવરનગર પોલીસ મથકે ઇરફાન ગફુરભાઈ ભટ્ટી, ફારુક ભટ્ટી, રિયાઝ ભટ્ટી, હનીફ ભટ્ટી અને રમઝાન ભટ્ટી સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો કાર કબજે કરી છે અને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. જો કે સામાન્ય બાબતમાં ફાયરિંગ બનાવને લઈને ફરી એકવાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.