સર્વેમાં ધડાકો: 4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ! માતા-પિતાએ ચેતી જવાની જરૂર!

આજના સમયમાં લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે. નાના બાળકો પણ સ્માર્ટફોનમાં પોતાનો સમય પસાર કરે છે. જેની અસર બાળકો સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

  • - બાળક માટે સમય નથી, માતા-પિતા જ જવાબદાર : સર્વે
    - મોબાઈલને કારણે બાળકોમાં લાગણી ઘટી, હિંસક બન્યા 
    - મોબાઈલ ગેમની ચેલેન્જમાં વિદ્યાર્થીઓએ માર્યા કાપા 
    - વધુ પડતી ઓનલાઇન ગેમને કારણે બાળકોમાં નોન સ્યુસાઈડલ સેલ્ફ ઇંજરી જેવી સવપિડન વૃત્તિ જન્મે
     

Trending Photos

સર્વેમાં ધડાકો:  4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ! માતા-પિતાએ ચેતી જવાની જરૂર!

ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારો આંક સામે આવ્યો છે. રાજ્યમાં 4 થી 20 વર્ષ સુધીના બાળકોમાં 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ હોવાનું સામે આવ્યું છે. જે માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. કેમ કે તાજેતરમાં જ અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમની ચેલેન્જ માટે હાથમાં કાપા મુક્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

રાજ્યમાં બે એવી ઘટના બની છે જે માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. અમરેલી જિલ્લાના મૂંજીયાસર ગામે 40 વિદ્યાર્થીઓએ ગેમની ચેલેન્જમાં હાથ પર બ્લેડના કાપા માર્યા હતા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના રાજપુરમાં પણ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના બાળકોના હાથ પર કાપા જોવા મળતા શિક્ષણ તંત્ર દોડતું થયું હતું. આ બન્ને ઘટનામાં મોબાઈલ ગેમ કારણભૂત હોવાનું કહેવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો મોબાઈલનો ઉપયોગ કેટલો અને કઈ રીતે કરી શકે તે માટે SOP તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ બન્ને ઘટનામાં વિદ્યાર્થીઓએ સમૂહમાં જીવ જોખમમાં મુકતા સરકાર હરકતમાં આવી છે. જેને લઈને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાને આવી છે અને મનોવિજ્ઞાન ભવન દ્વારા પ્રાથમિક અને મધ્યમ સ્કૂલો સાથે MOU કરી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની તૈયારી દર્શાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, બાળકોને નાનપણ થી જ મોબાઇલની આદત માતા-પિતા દ્વારા પાડવામાં આવી રહી છે. મોબાઈલનું વળગણ વધવા પાછળ માતા-પિતા જ જવાબદાર છે. મનોવિજ્ઞાન ભવન દ્વારા સમયાંતરે સર્વે કરવામાં આવે છે. મોબાઈલ ડેટા સસ્તો થતા લોકો બિનજરૂરી રીતે મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે જેમાં નાના બાળકો પણ બાકાત રહ્યા નથી. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરશે જેના માટેના MOU પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ શું છે તેનો અભ્યાસ કરવામાં આવશે અને મોબાઈલનો ઉપયોગ બાળકો કરતા ઓછા થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. 

બાળકોમાં મોબાઈલના વધતા જતા ઉપયોગને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશીએ જણાવ્યું હતું કે, મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા LKG થી કોલેજ સુધીના એટલે કે 4 થી 20 વર્ષ સુધીના વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લાસરૂમમાં અલગ અલગ મોબાઈલ, લેપટોપ, માટીના રમકડાં જેવી વસ્તુઓ મુકવામાં આવી હતી. આ સર્વેમાં 60 થી 65 ટકા બાળકોએ મોબાઈલ અને લેપટોપ થી રમવાનું પસંદ કર્યું હતું. બાળકો કેમ મોબાઈલ અને લેપટોપ પસંદ કરે છે તે વિષે પૂછવામાં આવતા અનેક કારણો સામે આવ્યા હતા. જે ચોંકાવી દેશે.

શું કારણો જવાબદાર ?
(૧) ઘરમાં બાળકો માતા-પિતાનું અનુકરણ કરતા હતા
(૨) ઘર કામમાં કે રસોઈમાં બાળક માતાને હેરાન ન કરે તે માટે માતા જ મોબાઈલ આપતા હતા
(૩) માતા-પિતા નોકરિયાત હોવાને કારણે બાળકને પૂરતો સમય ન આપતા મોબાઈલ તરફ વળ્યા
(૪) મોબાઈલ કે ઈન્ટરનેટનો ઉપયોગ ન આવડે તો બીજા બાળકો થી બાળક લઘુતાગ્રંથિમાં ન આવે તે માટે ઉપયોગ
(૫) પરિવાર વિભક્ત કુટુંબ હોવાને કારણે બાળકનું ધ્યાન ન રાખી શકવાને કારણે મોબાઈલનો ઉપયોગ વધ્યો
(૬) મોબાઈલના ઉપયોગને કારણે માતા-પિતા થી લાગણી થી ન જોડાવું
(૭) ઓનલાઈન અભ્યાસને કારણે મોબાઇલની ખરાબ ટેવ પડી
(૮) પુસ્તકો કરતા વધુ સોઈડમાં ઈન્ટરનેટ થી માહિતી ઝડપથી મળવી
(૯) ઘરમાં એક જ બાળક હોવાને કારણે તેની સાથે કોઈ રમવા માટે ન હોવાથી બાળકો મોબાઈલ તરફ વળ્યા
(૧૦) રમત ગમત માટેના ગ્રાઉન્ડ નથી અને માટી સાથેની રમતો લુપ્ત થઈ જેથી બાળકો મોબાઈલ અને ઓનલાઈન ગેઇમ તરફ વળ્યા

બાળકોના મોબાઈલના વળગણ ને કારણે બાળકમાં ચીડિયાપણું પણ આવે છે એટલું જ નહીં હિંસક વિચારોને કારણે સગીરવયે જ ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. બાળકોમાં એકલતાપણું ખૂબ જ વધ્યું છે જે ચિંતાનો વિષય છે. જો બાળકોને વાલીઓ જ સમય નહિ આપે અને પોતાના કામમાં વ્યસ્ત રહેશે તો આગામી દિવસોમાં 60 ટકા વાળો આંક વધી 90 ટકા સુધી પહોંચતા વાર નહિ લાગે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news