સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોની અણઆવડત! સરકારનો 9 કરોડનો ખર્ચ ગયો પાણીમાં....

એક તરફ ગુજરાતમાં વર્ષ 2036ના ઓલિમ્પિકનું આયોજન કરવાનો પ્લાન ચાલી રહ્યો છે. પરંતુ બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સ્વિમિંગ પૂલ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. પૂલમાં ચારેતરફ ગંદકી જોવા મળી રહી છે. તેવામાં યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે સવાલો ઉઠી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોની અણઆવડત! સરકારનો 9 કરોડનો ખર્ચ ગયો પાણીમાં....

ગૌરવ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017માં 9 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ શોભાના ગાઠિયા સમાન બની રહ્યો છે. છેલ્લા 6 મહિના થી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે સ્વિમિંગ પુલમાં ગંદકી જોવા મળી રહી છે. સ્વિમિંગ પૂલ સદંતર બંધ કરી દેવામા આવતા ફરી યુનિવર્સિટીના સત્તાધીશોની વહિવટી અણઆવડત સામે સવાલો ઊભા થયા છે.

2017ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકોએ મોટા ઉપાડે 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ બનાવ્યા...આંતરરાષ્ટ્રીય કક્ષાના આ સ્વિમિંગ પુલ થી આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા યોજવામાં આવશે તેવા દાવાઓ પણ કરવામાં આવ્યા...જોકે આ દાવાઓ માત્ર દાવાઓ જ રહ્યા...ન તો આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ સ્પર્ધા આવી ન તો સ્વિમિંગ પુલનું સંચાલન કરી શક્યા...સરકારી તિજોરીને નુકસાન પહોંચે તેમ 9 કરોડ સરકારના ખર્ચી નાંખ્યા... છેલ્લા દોઢ વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા સ્વિમિંગ કોચે રાજીનામું આપ્યું. ત્યાર પછી કોઈ કોચની ભરતી કરવામાં ન આવી. છેલ્લા 6 મહિના પહેલા તો મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામા આવતા આ સ્વિમિંગ પૂલમાં ભારે ગંદકી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે 6 મહિના થી બંધ હાલતમાં છે. પહેલા 15 જેટલા લોકો સ્વિમિંગ શીખવા માટે ફી ભરી આવતા હતા. જ્યારે 60 જેટલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મફતમાં સ્વિમિંગ કરવા આવતા હતા. સ્વિમિંગ પુલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો હોવાથી તમામ પેરામીટર પ્રમાણે તૈયાર છે. પરંતુ કાયમી કોચ નથી તેને કારણે સંચાલન કરવું મુશ્કેલ છે. દર વર્ષે સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ અંદાજીત 35 લાખનો ખર્ચ છે. જ્યારે સ્વિમિંગ પુલમાંથી દર વર્ષે આવક માત્ર 5 લાખની જ છે. યુનિવર્સિટી દર વર્ષે 30 લાખ રૂપિયા ખર્ચ મેન્ટેનન્સ પાછળ કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આ સ્વિમિંગ પુલમાં ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલમાં પુષ્કળ પાણી જોઈએ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઈન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ 29 એપ્રિલ, 2017માં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડો. ધીરેન પંડ્યાના સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ સ્વિમિંગ પૂલનું વજુભાઈ વાળાના હસ્તે લોકાર્પણ થયું હતું. પરંતુ તેના એક વર્ષ સુધી એટલે કે, 2018 સુધી આ સ્વિમિંગ પૂલ શોભાના ગાઠિયા સમાન બની રહ્યો હતો. બાદમાં કોચ આવતા આ સ્વિમિંગ પૂલ ધમધમતો તો થયો પરંતુ બાદમા હવે કોન્ટ્રાક્ટ આધારિત આ કોચને અન્ય જગ્યાએ સારા પગારથી નોકરી મળી જતા તેઓ અહીંથી નોકરી છોડી ચાલ્યા જતા સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

કઈ રીતે છે ફીનું સ્ટ્રક્ચર?
ફી             3 માસ  6 માસ             વાર્ષિક
વિદ્યાર્થીઓ 1,000 1,800             3,500
અધ્યાપકો 1,100 2,000             4,000
બહારના સ્વિમર 1,500 2,800 5,400

ઈન્ડોર સ્વિમિંગ પુલ- 50 મીટર લાંબો, 25 મીટર પહોળો, 7 ફૂટ ઉંડો છે. જ્યારે આઉટડોર સ્વિમિંગ પુલ- 25 મીટર લાંબો, 12.50 મીટર પહોળો, 7 ફૂટ ઊંડો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલ સચિવોના અણઆવડતને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ ધૂળ ખાઈ રહ્યો છે. સરકારના 9 કરોડના ખર્ચે તૈયાર કરેલો આ સ્વિમિંગ પુલનો ઉપયોગ કરતા ન આવડ્યો. આર્થિક રીતે ભ્રષ્ટાચાર ન કર્યો હોય પણ સરકારી રૂપિયાનો ખોટો વ્યય કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલન કરવામાં ન પહોંચી શકે તો કોઈ ખાનગી સારી કંપનીને સંચાલન સોંપવું જોઈએ. વિદ્યાર્થીઓને ટોકન દરે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પ્રેક્ટિસ કરવા દેવામાં આવે તેવી રીતે કોન્ટ્રાકટ આપવો જોઈએ તેવી માંગ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ અને હોકી માટેના કોચ નથી પરંતુ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પુલ આંતરરાષ્ટ્રીય કક્ષા છે. કોચ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહ્યા છે. એટલું ન નહિ ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ આ 14 એવી રમતો છે જ્યાં કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી અને આથી મેદાનો વેરાન બનતા જાય છે. છેલ્લાં 20 વર્ષમા 6 કાયમી કુલપતિ અને 3 કાર્યકારી કુલપતિએ સત્તા ભોગવી. પરંતુ કોઈએ ખેલકૂદના કોચ નિમવામાં રસ દાખવ્યો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news