)
Tattoo Artist's Black Work In Navsari: લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ ગુજારવાના અને તેને ગર્ભવતી બનાવીને ગર્ભપાત કરાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ભાજપના કાર્યકર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોનીની આખરે ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા આરોપીએ હાઈકોર્ટમાંથી દાદ ન મળતા જામીન અરજી પાછી ખેંચીને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
આરોપી ટેટૂ આર્ટિસ્ટ જય સોની પર આક્ષેપ છે કે તેણે એક યુવતીને તેની વર્તમાન પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી, ત્યારે આરોપીએ તેને ધમકાવીને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ દુષ્કર્મમાં આરોપીના માતા-પિતાએ પણ પીડિતાનું અપમાન કરી અને તેને ધમકાવી હતી.
સાત મહિના અગાઉ નોંધાઈ હતી ફરિયાદ
પીડિતાએ આ સમગ્ર મુદ્દે લગભગ સાત મહિના અગાઉ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી જય સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસે ટેટૂ આર્ટિસ્ટ જય સોની વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપી ટેટૂ આર્ટિસ્ટ જય સોની ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
કોર્ટમાં જામીન અરજી રદ થતાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
પોલીસ કાર્યવાહીથી બચવા માટે ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ સૌપ્રથમ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી રદ કરી દીધી હતી.
નવસારી કોર્ટમાંથી જામીન ન મળતા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા માટેની અરજી સાથે આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી. જોકે, હાઈકોર્ટમાં પણ તેને કોઈ દાદ મળે તેમ ન જણાતા આ નરાધમ ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને આખરે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું.
આરોપી ભાજપનો સોશિયલ મીડિયા કન્વીનર
પોલીસે હાજર થયેલા આરોપી ટેટૂ આર્ટિસ્ટ અને ભાજપના સોશ્યલ મીડિયા કન્વીનર જય સોનીની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. પોલીસે હવે આ સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર જગાવી છે.