સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ શિક્ષિકા, 4 દિવસ બાદ પણ કોઈ અત્તોપત્તો નહીં
સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ સમાચાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે. અહીં એક ટિચર વિદ્યાર્થીને લઈને ભાગી ગયા છે. તમે પણ જાણો શું છે આ સમગ્ર ઘટના....
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે. 23 વર્ષીય શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન કે બસમાં બેસતી ન દેખાતાં પોલીસ માટે મુશ્કેલી સર્જાઈ છે. આ શિક્ષિકા સ્ટુડન્ટને લઈ ખાનગી ટ્રાવેલ્સમાં લઈ ભાગી હોવાની સંભાવનાઓ વચ્ચે પોલીસ હવે ત્યાંના સીસીટીવી ચેક કરી રહી છે. આ સાથે જ તેના વતનમાં પણ તપાસ કરવામાં આવતાં ત્યાં પણ મળી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકાએ બે દિવસ પહેલાં સ્કૂલબેગ ખરીદી હતી અને જ્યારે અપહરણના દિવસે ટ્રોલી બેગ ખરીદી હતી. શિક્ષિકા જે વિદ્યાર્થીને લઈને ભાગી છે તે વિદ્યાર્થી એકલો જ આ શિક્ષિકા પાસે ટ્યૂશન માટે છેલ્લા એક વર્ષથી જતો હતો.
પોલીસે ચાર ટીમ બનાવી શોધખોળ શરૂ કરી
સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષીય વિદ્યાર્થીને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવા પોલીસે ચાર ટીમ બનાવી છે અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી.
રેલવે-બસ સ્ટેશનના CCTVમાં ન દેખાતાં પોલીસ ચકરાવે ચઢી
દરમિયાન આ શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોવાથી તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલા સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આખી રાત સીસીટીવી ફંફોળ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા ન દેખાતાં પોલીસ ચકરાવે ચઢી છે.
પરિચિતે મદદ કર્યાની શંકાએ એ દિશામાં તપાસ શરૂ
સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર કેમ બંને ન દેખાયાં એ જાણવા ફરીથી ત્યાંના કેમેરા જોવાની શરૂઆત કરવાની સાથે જ તે ગુપચુપ કોઈ રિક્ષામાં બેસી ખાનગી ટ્રાવેલ્સની બસ કે કારમાં બેસીને ક્યાંક ઊપડી ગયાની શંકા છે, જેથી હવે ખાનગી ટ્રાવેલ્સમાં પોલીસે તપાસ પ્રારંભી છે. એ સિવાય કોઇ અન્ય પરિચિતે મદદ કરી હોય તો એ દિશામાં પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
શિક્ષિકાએ ભાગ્યાના બે દિવસ પહેલાં જ ટ્રોલી બેગ ખરીદી હતી
પોલીસે અપહરણ થયું એ 25 એપ્રિલ અને તેના આગલા દિવસોના પણ ફુટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસીને પરવટ પાટિયા વિસ્તારમાં આવી એક દુકાનમાંથી વધુ સામાન મૂકી શકાય એ માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડે છે. ભાગતી વખતે જે સ્કૂલબેગ ખભા પર લટકાવી હતી એ તેણે બે દિવસ પહેલાં ખરીદી હોવાનું જણાઇ આવતાં આ શિક્ષિકા પહેલાંથી ભાગવાનો પ્લાન કરતી હોય એવો અંદાજો પોલીસે લગાવ્યો હતો.
એક વર્ષ આ એક જ વિદ્યાર્થી ટ્યૂશનમાં જતો હતો
વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતો એ જાણવા પોલીસ મથી રહી છે. 11 વર્ષીય વિદ્યાર્થી છેલ્લાં ત્રણ વર્ષથી 23 વર્ષીય શિક્ષિકા પાસે ટ્યૂશન જતો હતો. અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા, પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો. 11 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ-કમ-ટ્યૂશન શિક્ષિકાના ઘરે ટ્યૂશન માટે જતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે